પૃષ્ઠ:Netaji Na Sathidaro.pdf/૮૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૮
નેતાજીના સાથીદારો
 

રસ છે ને? તેં જે. કૃષ્ણમૂર્તિનું નામ તો સાંભળ્યું જ હશે ! જેને થીઓસિફીસ્ટો અવતારી પુરુષ માને છે?’

‘હા ! જરૂર !’ લક્ષ્મીએ ઉત્સાહથી જવાબ આપ્યો.

‘ત્યારે! જે, કૃષ્ણમૂર્તિ આ રહ્યા પહેલા વર્ગના ડબ્બામાં.’

‘આ, કૃષ્ણમૂર્તિ?’ હર્ષાવેશમાં લક્ષ્મી બોલી ઊઠી, માતાએ માત્ર હકરાત્મક શબ્દ બોલીને વિદાય લીધી. લક્ષ્મી થોડી પળો ત્યાં ઊભી રહી અને કાંઇક વિચારને અંતે એ પહેલા વર્ગના ડબ્બા તરફ્ ધસી ગઈ.

‘જેમને વિશે અમે ઘણું ઘણું સાંભળ્યું છે તે, શ્રી. જે. કૃષ્ણમૂર્તિ આપ જ કે?’ લક્ષ્મીએ શ્રી. કૃષ્ણમૂર્તિ ને સીધો પ્રશ્ન કર્યો.

શ્રી. કૃષ્ણમૂર્તિને ભારે આશ્ચર્ય થયું. તેમણે લક્ષ્મીની સામે જોયું અને જવાબ દીધો. ‘હા બહેન ! મારું નામ કૃષ્ણમૂર્તિ. કેમ ?’

જવાબમાં લક્ષ્મીએ કહ્યું: ‘તમારા જેવા ધર્મપ્રચારક એ પહેલા વર્ગમાં શા માટે મુસાફરી કરવી જોઈએ? તમારે તો જનતાના સંપર્કમાં વધુને વધુ આવવું જોઈએ અને જનતા તો ત્રીજા વર્ગના ડબ્બામાં બેસે છે!’

આજ સુધી શ્રી. કૃષ્ણમૂર્તિ ને કોઈએ આવાં સ્પષ્ટ વેણ સંભળાવ્યાં નહતાં, સહુએ તેમની સુંવાળપને પંપાળી હતી અને જનતાથી તેઓ વધુને વધુ દૂર થતા ગયા હતા. આજે પહેલી જ વાર આ શબ્દો સાંભળવા મળ્યા અને એ શબ્દો સંભળાવનાર પણ કોણ? લક્ષ્મી ! પૂરી પચ્ચીસી પણ જેણે વિતાવી નથી એવી એક કોમલાંગી !