પૃષ્ઠ:Netaji Na Sathidaro.pdf/૮૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૭૬
નેતાજીના સાથીદારો
 

નજર તેના પર પડે છે. તરત જ ત્યાં ધસી જાય છે. એ શકમંદ હિલચાલ કરતી બર્મિઝ સ્ત્રીઓની ઝડતી લેવાય છે પણ કાંઈ મળતું નથી.

છતાં લક્ષ્મીને સંતોષ નથી. એની શિકારી દૃષ્ટિ તેના દેહ પર પડે છે અને કેશકલાપમાં કાંઈક છુપાયેલું જણાય છે. સાવધ બનીને કેશકલાપની ઝડતી કરે છે. રીવોલ્વર મળે છે. સભા આખી ચકિત થઈ જાય છે. નેતાજીનો જાન લેવાનો પ્રયાસ આમ લક્ષ્મીની ચકોર દૃષ્ટિ અને સાહસથી નિષ્ફળ જાય છે.

પરન્તુ આઝાદી માટેનો આ જંગ નિષ્ફળતા પામતો હતો. વિધાતા જ જાણે એ જંગની વિરુદ્ધ હતી. આથી નેતાજીને અને આઝાદ હિંદ સરકારને રંગુન ખાલી કરવું પડ્યું અને રંગુનનું રક્ષણ કરનાર આઝાદ ફોજે શરણાગતિ સ્વીકારી ત્યારે કર્નલ લક્ષ્મી કાલ્વાની હોસ્પિટલમાં ઘાયલ થયેલા આઝાદ હિંદ ફોજના સૈનિકોની સારવારમાં હતાં. ત્યાંથી રંગુન આવીને તેણે ફરીને તબીબી પ્રેક્ટિસ શરૂ કરી, એની સાથે જ પોતાના બિરાદર આઝાદ સૈનિકોની સેવા કરવાનું પણ્રા ચાલુ રાખ્યું હતું.

હવે તો, પરિસ્થિતિ સંપૂર્ણપણે બદલાઈ ગઈ હતી. ‘જયહિંંદ’ના અવાજોથી રંગુનની શેરીઓ એક વખત ગાજતી હતી, આઝાદ હિંંદ ફોજના સૈનિકોની શાનદાર કૂચ જે રંગુનના રાજમાર્ગો પર ભવ્ય દૃશ્ય બની ગઈ હતી, એ રંગુનમાં ફરકતો આઝાદ હિંદ સરકારનો ત્રિરંગી ઝંડો અદૃશ્ય થયો હતો. મિત્ર ફોજોની હુકુમત સ્થપાઈ હતી અને આઝાદ હિંદ ફોજના સૈનિકો પ્રત્યે કિન્નાખોરી ભર્યું વર્તન ચાલતું હતું.