પૃષ્ઠ:Nhana Nhana Ras Part-3.pdf/૮૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.


ધર્મકુમાર

આવો, આવો, ધર્મસોહાગીના સંઘ ! હરિના હોય ઓરતા રે લોલ;
આવો, કહું ધર્મકુમારની ધન્ય સનાતન વારતા રે લોલ.

સખિ ! પેલો નીલવાદળિયા આભ અનન્ન્તને ઉચ્ચરે રે લોલ;
સખિ ! એને હૈયે ચ્હડી હિમવાન અગમ્યની વાતો કરે રે લોલ.

સખિ ! ત્ય્હાં અગમનિગમના ઓધ સમી નદીઓ વહે રે લોલ;
સખિ ! ત્ય્હાં જ્ઞાનકુટીરની માંહ્ય ઋષિ-તપસી રહે રે લોલ.

સખિ ! રચે ઘેરગંભીર મહાવંન માયાવી ભુલભુલામણી રે લોલ;
સખિ ! ત્ય્હાં ઘાટે ઘાટે તીર્થ, તપોવન તપની ધૂણી રે લોલ.

સખિ ! ત્ય્હાં શ્રુતીસ્મૃતિનો મહાશબ્દ સમીરમાં ગાજતો રે લોલ;
સખિ ! એવો અમુલખ ઉત્તરાખંડ ઢળ્યો બ્રહ્મવાડી સમો રે લોલ.

સખિ ! એ બ્રહ્મવાડીને ચોક ફૂલ્યા બ્રહ્મફૂલડાં રે લોલ;
સખિ ! એના પાવન બ્રહ્મપરાગ ધરતી ભરેને ઊડ્યા રે લોલ.


સખિ ! ત્ય્હાં પ્રગટ્યા ધર્મકુમાર પાંખડીએ પુણ્યની રે લોલ;
સખિ ! એની સ્ફુરતી ધર્મસુવાસ કે ધર્મારણ્યની રે લોલ.