પૃષ્ઠ:Nhana nhana Ras Part 2.pdf/૨૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૪
ન્હાના ન્હાના રાસ
 


અષાઢી વાદળી

  
વીજે ભરી, રે હો ! વીજે ભરી,
આ આષાઢી વાદળી વીજે ભરી.

ચોમેર ચમકે છે દૃષ્ટિની દામિની;
આંખડીની આશ એ શું ચારૂ ચીતરી !
આ આષાઢી વાદળી વીજે ભરી.

કુંકુમ થાળ લેઇ આવી સોહાગણ;
સોહાગકિરણોની ઝરમર ઝરી:
આ આષાઢી વાદળી વીજે ભરી.

મ્હાલે મંહી નીર ગંભીર મેઘનાં;
મેઘલી એ રાત જાણે ચન્દ્રનીતરી:
આ આષાઢી વાદળી વીજે ભરી.

ઓઢી રૂપચુન્દડી રમતી રઢિયાળી;
રૂપના સાગરિયાની એ સુન્દરી:
આ આષાઢી વાદળી વીજે ભરી.

હૈયાની વેલને અમીનાં ફૂલ ઉગિયાં;
ઉરની રસમૂર્તિ શું આભ ઉતરી !
આ આષાઢી વાદળી વીજે ભરી.