પૃષ્ઠ:Nhana nhana Ras Part 2.pdf/૭૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૭૦
ન્હાના ન્હાના રાસ
 


વનનાં આમન્ત્રણ

વનનાં આમન્ત્રણ આવ્યાં, સાહેલડી !
પુરને મહેલ શી ઉણપો હશે ?
લીલમલીલી એ કુંજો ઘેરાય, ત્ય્હાં
એવી વિરાટની વિભૂતિ શી વસે ?
વનનાં આમન્ત્રણ આવ્યાં, સાહેલડી !

વનમાં કોયલડી ટહુકે, સાહેલડી !
પુરમાંની મેના તો પીંજરે પડી ;
વનમાં કો ગોપિકા ગાજે ગગન ભરી,
પુરમાં પટરાણીઓ રમણે ચ્હડી :
વનનાં આમન્ત્રણ આવ્યાં, સાહેલડી !

વન માંહિ કેસરીની કેસર, સાહેલડી !
પુરમાં કિરીટીનાં કિરણો સ્ફુરે ;
વનમાં વૈરાગ્ય ને વિલાસ છે સોહામણા,
પુરમાં સુવર્ણનાં સ્વપ્નાં ઉરે :
વનનાં આમન્ત્રણ આવ્યાં, સાહેલડી !

વનમાં સરોવર ઘેરાં, સાહેલડી !
પુરનાં તો કુંડ કાંઈ છાછરછલ્લા ;
વનમાં શકુન્તલા, ને વન માંહિ રાધિકા,
પુરમાં તો કુબજાનાં કામણ, ભલા !
વનનાં આમન્ત્રણ આવ્યાં, સાહેલડી !