પૃષ્ઠ:Niharika.pdf/૧૨૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

કબરની મિટ્ટી માંહેથી
પ્રણયપલ્લવ ઊછરવાના.

બની ગુલ મોગરો લાલા,
ચમેલી કે બકુલમાલા,
કઠિન માશુકની છાતી
ઉપર આશક ઊતરવાના.

ઝુકાવી કિશ્તી ભરદરિચે
અમો પાગલ નહીં ડરીએ,
સનમ-દિદારની આશા
તણા દોરે જ તરવાના,

ન પરવા કિશ્તી છો ડૂબે;
ભયાનક વારિ છો ચૂમે;
રસીલું નામ માશુકનું
અમે અંતે ઊચરવાના.

ન સિંધુ: એ જીવનવારિ!
ન મૃત્યુ : એ અમર ક્યારી !
સનમને ઓળખી હૈયે
મરીને બસ ઊગરવાના.

મરી જાશું, મટી જાશું,
જગતમાંથી ફીટી જાશું;
સનમની યાદમાં મરતાં
સજીવન સ્નેહ ઝરવાના !

૧૧૨ : નિહારિકા