પૃષ્ઠ:Niharika.pdf/૩૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.


દીધાં ડગમાં પગ ધરવો !
નવ ચીલા બ્હાર જવાય !
એ ભાવ ગમે નહિ વરવો !
એ બંધન નવ સહેવાય !

હું વિકટ માર્ગને શોધું,
હું ચઢું અગમ ગિરિશૃંગ;
હું દેવયાન પણ રોધું,
કરું જીર્ણ પંથનો ભંગ !

તજી દાસ તણાં એ ટોળાં,
રચું નવીન માર્ગ ધરી ધીર;
અવનવા ભયાનક ઝોલા
લઉં બંડખોર બલવીર.

ધિક્ જીવનવિહોણી શાન્તિ !
ધિક્ પરાશ્રયી એ સુખ
પરતેજે દીપતી કાન્તિ,
ધિક્ ધિક્ એ હસતાં મુખ !

હું ગ્રહગરબે નથી ફરતો,
ભમતો ગગને ભરી ફાળ;
હું સ્ત્રૈણરમત નથી રમતો
આપીને નિયમિત તાલ.

શું નિયમચક્રમાં ફરવું?
શેં સહેવું ગુરુખેંચાણ?
શું ડરી ડરી ડગ ભરવું?
ના ગમે ગુલામી લ્હાણ!

૨૨ : નિહારિકા