પૃષ્ઠ:Niranjan by Jhaverchand Meghani 2003 edition (originally published in 1936).pdf/૧૪૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
134
નિરંજન
 


"એક કિલ્લો છોડી બીજો શોધી લેવો એ પણ મર્દનું કામ છે ને, ભાઈ !”

“એ તો બરાબર છે.” નિરંજને પહેલી જ વાર દીવાનસાહેબના હાસ્યમાં પોતાનું હાસ્ય ભેળવ્યું. આજ સુધી તો એ ખડગના જ પ્રહાર કરી જાણતો.

“ચાલો ત્યારે, અત્યારે તો આપણી મોટરને જ કિલ્લો માનો.”

"ટોપી પહેરીને આવું.”

“કશી જરૂર નથી. એમ જ ચાલો. આપણા ગરીબ દેશમાંથી ગાંધીજીએ પાઘડીઓ કઢાવી, પણ હું તો ટોપીમાં જોઈતા પા વાર પાણકોરાનેય રુખસદ દેવાની હિમાયત કરું છું. મેં તો મહાત્માજી અહીં આવ્યા ત્યારે મોઢામોઢ કહેલું...”

દીવાનસાહેબ મોટરનું ચક્ર ફેરવતાં ફેરવતાં ને જુદાં જુદાં ગિયરોમાં ગાડીને ગોથાં ખવડાવતાં રંગે ચડ્યા, “મોઢામોઢ કહેલું કે, ગાંધી, ભાઈ, તું તો બિલોરી કાચ છે; પણ તારા પડખિયા...હા-હા-હા... એનું બખડજંતર જબરું છે, ભાઈ ! મારા બાપા ! તું ચેતજે.”

મોટર જૂની થઈ ગઈ હોવાથી તેનાં ગિયરો કચરડાટી કરતાં હતાં.

એ કચરડાટીની સામે આંગળી બતાવીને દીવાને નિરંજનને કહ્યું: "જોયું ? એ બધા કેવા ? આવા હો !"

નિરંજનને કહેવું પડ્યું: “ખરું છે.”

"ને હું તો લોર્ડ પેન્ટલાન્ડ જ્યારે મદ્રાસમાં હતા ત્યારે એમને પણ મળ્યો હતો. હાઈનેસની જોડે હું રામેશ્વરની યાત્રાએ ગયેલો. પેન્ટલાન્ડને બંગલે ચાનું નિમંત્રણ હતું. ચા પીતાં પીતાં મેં તો ઉગ્ર બનીને કહ્યું'તું કે સાહેબ, હિંદને તલવારથી જીત્યો હોવાની વાત ગલત છે, તે તમારા જ ઈતિહાસકારો વિન્સેન્ટ, સીલી વગેરેનાં થોથાંમાંથી જાણી લો, વખતસર જાણી લો, નહીંતર અતિ મોડું થઈ ગયે તમારા હાથમાં આ..એટલે આ રામપાતર જ રહેશેઃ આ ‘બેગિંગ બાઉલ' જ રહેશે.”

નિરંજન ચકિત થયો હતો કે હવે વાત ક્યાં પહોંચશે. દીવાન