પૃષ્ઠ:Niranjan by Jhaverchand Meghani 2003 edition (originally published in 1936).pdf/૧૫૯

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
વિજયની ગ્લાનિ
149
 


૩૩
વિજયની ગ્લાનિ

જેઠ મહિનામાં લગ્ન નહીં થઈ શકે. હું અહીં લડતમાં રોકાયો છું: એવી મતલબનો કાગળ દીવાનસાહેબ પર લખીને નિરંજન યુનિવર્સિટીનું પડ જગાડવામાં મચ્યો.

કેટલાય પ્રોફેસરોનો એ લાડીલો વિદ્યાર્થી હતો. એમને ઘેર જઈ નિરંજને યુદ્ધના સૂર ગજાવ્યા. પ્રો. ચક્રવર્તીએ હીંડોળાખાટે હીંચકતાં હીંચકતા પાનપટ્ટી બનાવતે બનાવતે સલાહ આપી કે, “ચાલે તેમ ચાલવા દોને, ભાઈ! તમે ખટપટી ગણાઈ જશો ને સારા સારા “ચાન્સીઝ ગુમાવી બેસશો.”

પ્રો. વિજયકુમાર ચડાવવા લાગ્યા: “એ નાલાયક એ જ લાગનો છે. દાઢી માગે જ છે. એનાં હાંલ્લાં ફોડ્યા વગર ના જપતા, હો કે નિરંજન! મને એણે નરી ખુશામદથી જ “સુપરસીડ કરેલ છે.”

પ્રો. ઘાડગેએ નિરંજનને પીઠ થાબડી થાબડી અભિનંદન આપ્યાં. કહ્યું કે, “ગો અહેડ, માય ગોલ્ડન બૉય !" કારણ કે યુનિવર્સિટીની શતરંજ-બાજીમાં સામા પક્ષનું એક ગુજરાતી પ્યાદું ઊડતું હતું !

પ્રોફેસર ચૂડામણિ, પ્રો. તનવંત, પ્રો. કૌશિક વગેરેએ નિરંજનનો ઊધડો લીધો કે, “તમે ગુજરાતીઓને ઉઘાડા પાડી ગુજરાતનું નાક કાપો છો. તમે વિરોધી પાર્ટીઓના હાથમાં રમી રહ્યા છો. ગુજરાતની અસ્મિતાને અગ્રપદે લાવવાના અમારા પ્રયાસો પર પાણી ફેરવો છો. તમારામાંથી ગુજરાતનું આત્મગૌરવ ક્યાં ગયું? આ ચટણાઓની અને કાગડાઓની કુહાડીના હાથા કેમ બનો છો?”

ઘણાખરાના જીવનમાં ડોકિયું કરી આવ્યા પછી નિરંજનને સુનીલાએ દોરેલું પ્રોફેસર-જીવનનું ટૂંકું ચિત્ર હૂબહૂ અને હૃદયસ્પર્શી લાગ્યું. આ ટોળાની વચ્ચે હું પણ સોના જેવો બની જઈશ, કેમ કે વ્યક્તિના પ્રભાવને પ્રગટ ન થવા દેનારી જ આ બધી પાષાણી દીવાલો છે.