પૃષ્ઠ:Niranjan by Jhaverchand Meghani 2003 edition (originally published in 1936).pdf/૧૮૩

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
વિજય – કોલાહલનો
173
 


“તમારી વાત સાચી છે.” નિરંજને મીઠી નરમાશથી સ્વીકાર કરી લીધો, “મેં શણગાર પહેરાવ્યા છે, પણ કોઈ અનર્થને નહીં. એક સુંદરતાને. એ સૌંદર્યને વાણીના લેબાસની જરૂર નહોતી.”

“એ સૌંદર્યસૃષ્ટિના નવાવતારી કોલંબસની જ અમારે જરૂર નહોતી.” વિરોધી જુવાને નિરંજનની નરમાશનો લાભ લીધો, “આ તો બધી દુરાચારની હિમાયત છે, ને આ ફોજદારીનો ગુનો છે.”

“ડીકરી, બી.એ. થયા પહેલાં કાયદો પન વાંચી નાંખિયો કે ?”

એક પારસી વિદ્યાર્થીએ વાતાવરણની કરુણતામાં હાસ્યરસ છાંટ્યો.

"હસવાની આ વાત નથી.” વિરોધીએ વધુ જોર પકડ્યું, “અમે સમજીએ છીએ કે પ્રેમમાં ભગ્નાશ થયાથી ઘણા આ માર્ગે વળે છે.”

"હો-હો-હો-હો-” વિરોધીના એક નાનકડા ટોળાએ એક બેન્ચ પરથી થબડાટા અને પગના પછડાટા શરૂ કર્યા.

ઢોલ પર દાંડી પડતાં બજાણિયાને અંગે જે રોમાંચ જાગે તે જ રોમાંચ જુવાનોમાં આ થબડાટોએ જગાવી મૂક્યો. ગંભીરતા એક ફૂંક સરખી બની ઊડી ગઈ. ટોળું નશાખોર બન્યું. નિરંજનનું મુખ નિસ્તેજ બન્યું. એનાં પગલાં પાછાં વળ્યાં. કોલાહલ – પછી એ ટોળીનો હો, છાપાની કટારોનો હો, ન્યાયની અદાલતનો હો, કે ન્યાતની સભાનો હો, પણ કોલાહલ જ – સત્યાસત્યના પલ્લાંને મનફાવતી રીતે ગોથાં ખવરાવી શકે છે. એ કોલાહલના ઢોલ પિટાયા. તેની નીચે નિરંજનના પક્ષનો મંજુલ રવ, પ્રચંડ ભીડાભીડમાં નાનું બાળક ચેપાય તેમ, ચેપાઈ ગયો.

વળતી એક જ રાત દરમિયાન કૉલેજ અને હોસ્ટેલની દીવાલો પર, પગથિયાં પર, પાટિયા પર અને ભોંય ઉપર જે જે લેખોનું ચિત્રાંકના થયું તેને માટે યથાર્થ બની શકે એવો એક શબ્દ ‘બિભીષિકા’ છે.

એ બિભીષિકાને પોતાના હરએક પગલે નિહાળતો નિહાળતો નિર્ભય નિરંજન લાલવાણીના ખંડ તરફ ચાલ્યો. એનો પંથ તે પ્રભાતે નિર્જન બન્યો હતો. એને દેખી એના ઘડી-બે ઘડીના સહવાસના પ્યાસી જુવાનો ગઈ કાલ સુધી ભમરાઓની જેમ ટોળે વળતા, તેઓ આજે એની