પૃષ્ઠ:Niranjan by Jhaverchand Meghani 2003 edition (originally published in 1936).pdf/૨૦૯

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
વિસર્જન કે નવસર્જન ?
199
 

માટે. તારાં નામાં-કામાંની એને ખબર નથી પડી, લાગતી, ભાઈ. મેં તો કેટલીય વાર આંહીં ટપ્પો ઉભાડીને કહી દેવાનું મન છે કે બાઈ, આ ગજલું જોડનારની વાંસે ખુવાર શીદ મળે છે ? પણ મારે એક વાર તને. મળી લેવું'તું. મારે સાંભળેલી વાતોનો તાગ લેવો’તો, એટલે મેં મનને વારી રાખ્યું છે.”

મારા ઘરનો ભાર ઉપાડવા માટે: વાયુની લહરો વગડાના વાંસની પોલમાંથી નાદ ગુંજાવે છે, તેવો આ નાદ ઓસમાનકાકાની ફૂંકે નિરંજનના અંતરમાં જગાડ્યો: 'મારા ઘરનો ભાર ઉપાડવા માટે !'

ટપ્પો છોકરાના હાથના ઘૂઘરાની માફક સડક પર ખખડતો જતો હતો. ઓસમાનકાકો ઘોડાને પૂછતો હતો: “ભા, તને તો ઇશક કરવાનું કે'દી વેળું જ ન આવ્યું ને ? હેં ભા બાળભ્રમચારી ! રંગ છે તને. માણસ કરતાં તું વધુ સમજદાર, વધુ સુખી !”

"ઓસમાનકાકા,” નિરંજને કહ્યું, “મારું ચિત્ત ઠેકાણે નથી આવતું.”

ઓસમાનને નિરંજનના અવાજમાં ભીનાશનો ભાર લાગ્યો. એણે પછવાડે નજર કરી. નિરંજનની આંખોમાં જળની સરવાણીઓ હતી.

"શું થાય છે, બેટા ?” ઓસમાને નિરંજનને ખભે હાથ મૂક્યો.

"પેટછૂટી વાત કરી દે, મારે માથે ઇતબાર મૂક. તારું બૂરું હું ઓસમાનકાકો નહીં કરું. બોલ, શું થાય છે તારા દિલમાં ?”

“નથી કહેવાતું.” નિરંજનના મોં પર રુદન અને હાસ્યની કુસ્તી ચાલી. ચહેરો ખૂંદાઈને લાલચોળ બનતો ગયો.

“ઠીક, લે. હું જ પૂછું, તેનો જવાબ દેતો જા. છોકરીને માથે હેત આવે છે ?"

"હમણાં દીઠી ત્યારે પ્રથમ પહેલું આવ્યું.”

"ત્યારે તો પછી ફત્તે કામ.”

“પણ હું રઝળતી દશામાં છું, મારી આજીવિકાનું ઠેકાણું નથી.”

"કારણ ? કારણ કે તારું મન ગધાડે ચડેલું છે. બાકી તું થોડો