પૃષ્ઠ:Niranjan by Jhaverchand Meghani 2003 edition (originally published in 1936).pdf/૫૫

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
પ્રો. શ્યામસુંદર
45
 


પ્રોફેસરો શું કલ્પનાનાં જ પ્રાણીઓ હતાં? ને એને જવાબ મળતોઃ “એ બધા સાચેસાચ હતા. પણ એ તો ગયા. એ પેઢી જ ચાલી ગઈ, ભાઈ!”

એ 'હતા'ની જમાતમાં સુનીલાના પિતાની ગણના થાય છે કે નહીં? ચાલ જઈને કૉલેજની લાઇબ્રેરીમાં લટકાવેલી પ્રોફેસરોની તસવીરો જોઉં. એમાં એ હશે.

પણ એનું નામ શું? સુનીલાનું પૂરું નામ ‘મિસ સુનીલા શ્યામસુંદર' છે. પિતાનું નામ પ્રો. શ્યામસુંદર હોવું જોઈએ.

સવારે વહેલો ઊઠીને નિરંજન નાહવા-ધોવાનું પરવારી પ્રો. શ્યામસુંદરની તસવીરની શોધમાં કૉલેજના પુસ્તકાલય પર ગયો.


9
પ્રો. શ્યામસુંદર

દીવાલોને ચક્કર લગાવતો નિરંજન એ છબી પાસે થંભ્યો. આટલી બધી બુજરગ છબીઓની વચ્ચે એણે આ એક જ જુવાનચહેરો જોયો. નીચે મૃત્યુનું વર્ષ લખ્યું હતું. 1925. નિરંજને ગણતરી કરી લીધી. સુનીલા તે વખતે દસ વર્ષની હોવી જોઈએ.

ફોટોગ્રાફી એ એક રમણીય છલના છે. બેવકૂફના મોં પર એ બુદ્ધિમત્તાના રંગો પૂરી આપે છે અને ધૂર્તોના ચહેરા પર સંતપુરુષની રેખાઓ મૂકી શકે છે. આ જ્ઞાન નિરંજને એક વાર પોતાની જ છબી પડાવીને મેળવ્યું હતું. ઉપરાંત, રશિયાના છેલ્લા ઝારની રાજપ્રતિમા પણ એને કેવી ભલી ને ભદ્રિક, કોઈ પ્રોફેસરની તસવીર જેવી લાગી હતી! જ્યારે પ્રજાના મુક્તિદાતા લેનિનની છબી હરવખત નિરંજનને કોઈ ભયાનક ગુંડાનો જ ખ્યાલ કરાવતી હતી.

પ્રોફેસર શ્યામસુંદરનો ચહેરો એણે ટીકી ટીકીને નિહાળ્યો. આછી