પૃષ્ઠ:Niranjan by Jhaverchand Meghani 2003 edition (originally published in 1936).pdf/૯૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
80
નિરંજન
 

ખાતર પૂછતી હોય તેવું બતાવ્યું.

"તમારા બહેનનું નામ તો..." સુનીલા યાદ કરતી હતી.

"રેવા."

"હા, હા, મને યાદ હતું."

"શી રીતે?"

"મને સરયુએ બધી વાત કહેલી."

એ 'બધી વાત' પર સુનીલાએ ગઈ કાલ સુધી કશો જ અધિકાર નિરંજનને ન આપ્યો હોત. પણ આજે સુનીલા હકદાર બની ગઈ. નિરંજને સંયમ ગુમાવ્યો: "તમે આંહીં જ્યારે દાખલ થયાં ત્યારે મને બીજો જ ભાસ થયો હતો. મારાથી 'રેવા' એવું બોલી જતાં માંડ માંડ રહેવાયું હતું. તમે પ્રોફેસરનાં પુત્રી છો. હું એક ગામડિયા મહેતાજીનો પુત્ર છું. મને કંઈક બોલી નાખવાનું મન થાય છે, બોલવા દેશો? એક જ વાર બોલવા દેશો? ફરી કોઈ વાર હું નહીં બોલું."

એમ કહેતોકહેતો નિરંજન બે ક્ષણ ખુરશી પર બેસી આંખો બીડી ગયો, પણ સુનીલાને મુખેથી સહાનુભૂતિનો એકેય શબ્દ ન પડ્યો, એટલે પછી એ ઊઠ્યોઃ "ચાલો, તમને મૂકી જાઉં."

સુનીલાની બાને આ યુવાનની બહેનવિહોણી હાલત દયાજનક લાગી. રાત ઊંડી ને ઊંડી ઊતરતી જતી હતી છતાં વિધવાએ જુવાન પુત્રીને જરીકે ઉતાવળ ન કરી.

નિરંજન જ્યારે ડગલો ચડાવી ચંપલ પહેરવા લાગ્યો ત્યારે સુનીલાએ કહ્યું: "ના, કંઈ જરૂર નથી. ન આવશો. એ તો અમે જઈશું. અમને કશી બીક નથી."

એમ કહી એ સડસડાટ પગથિયાં ઊતરવા લાગી. નિરંજન ખૂબ ખસિયાણો પડી ગયો. એને સુનીલાની આ કઠોરતા સમજાઈ નહીં. એ પોતે પણ કંટાળાની લાગણી અનુભવી રહ્યો. પુરુષજાતિના સ્ત્રી પ્રત્યેના સસ્તા લટુપણાની ધૃણાની લાગણી એના મનમાંથી પલવારમાં પસાર થઈ ગઈ. એને છેવટે વળાવવા જતાં પગથિયાં ઊતરતે ઊતરતે એક