પૃષ્ઠ:Palkara.pdf/૧૧૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
108
પલકારા
 

“મારી દીકરી તોયા ઉમ્મરલાયક થાય ત્યારે એને મારા મિત્રની વેરે જ પરણાવવાની છે.”

વાંચીને અતિથિએ મિત્રની સામે જોયું.

મિત્રે ખુશખુશાલ સ્વરે કહ્યું : “કેમ, ભાઈ ! બરાબર છે ને ? બીજું હું શું કરું ? મારી જીવથીય વહાલી એક તોયા. એને તમારા વિના બીજું કોણ સુખી કરે ? એને સુખી કરશો એટલું મને મોંએથી કહો, પછી બસ - છોને જલ્લાદની કુહાડી અત્યારે ને અત્યારે મારી ગરદન પર પડતી ! એક વાર, બસ, તમારે મોંએથી કહો કે તોયાને તમે દુઃખી થવા નહિ દો.”

જવાબની રાહ જોતો ભાઈબંધ પરોણાના સૂનકાર ચહેરા પર તાકી રહ્યો. પછી સ્નેહના તુંકાર કરીને બોલ્યો : “તું જવાબ કેમ નથી આપતો ? તારું ધ્યાન તોયાના ગીતમાં ગૂંચવાયું છે, ખરું ? ઓહો ! કેવી ડાહી દીકરી છે ! ચાલ, ચાલ તને બતાવું : કેવી સૂતી સૂતી એ ગાય છે ! ચૂપ – ધીમે ધીમે, હો ! - સાંભળી જશે તો અટકી જશે; બહુ શરમાળ છે.”

હળવે પગલે, લપાતો તાઈ મહેમાનને હાથ ઝાલીને વચલા બારણા સુધી લઈ ગયો; દીકરીનો પલંગ દેખાય તે રીતે મિત્રને ઊભો રાખ્યો.

ચાંદની રાતમાં ભીંજાવેલ હોય તેવી ચાદરથી ઓછાડેલ પલંગે દસ વર્ષની પુત્રી સૂતી છે. મશરૂના બાલોશિયા ઉપર એનું નાનું માથું ઢળેલું છે. એને શરીરે પણ રેશમનો પાયજામો ને પિરોજી હીરનું બદન લહેરાય છે. પાસે આયા બેઠી છે. પડી પડી તોયા ગાણું ગાય છે. આયા વાજું બજાવે છે. તોયાની આંખોમાંથી –

નીંદર ભરી રે ગુલાલે ભરી;
આજ મારી આંખડી નીંદર ભરી.

એવી કવિતાના ભાવ ટપકે છે.

“મારી દીકરીનો આવો મીઠો કંઠ તું ગમાવતો નહિ, હો !” તોયાના પિતાએ મહેમાનને હસતાં હસતાં કહ્યું : “એને સંગીતની તાલીમ આપજે; તને એ બહુ સુખી કરશે.”

હાથ ઝાલીને એણે પાછો પરોણાને ખુરશી તરફ લીધો; પણ દોસ્તનું