પૃષ્ઠ:Palkara.pdf/૧૪૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
130
પલકારા
 

આંગળામાં નવું જોર દીધું.

ફોજદારને ભાસ થયો કે છેક પેટનાં આંતરડાં સુધીમાં એક કાતિલ હથિયાર એના પડખામાં થઈને પરોવાઈ ગયું હતું. જગત પર એને માટે એ આખરી ખબર હતી. એ ઢળી પડ્યો.

એને ધરતીએ ખોળે ઝીલ્યો. પાંચિયાના પિતાની તેમ જ ફોજદારની, બેઉની, કરોડો અને અબજોની એ એકસરખી જ વત્સલ માતા હતી. મરતાં મરતાં ફોજદારને એટલું ભાન રહ્યું હશે કેમ કેમ તે તો એ એકલો જ જાણે.

ચપટી ધૂળ પાંચિયાના પિતાએ કેવા વહાલથી પકડી રાખેલી હશે તેનો અનુભવ તો ફોજદાર પોતાની જોડે જ લઈ ગયો.

– ને ફોજદારની હત્યા કરનાર પાંચિયાને દસ વર્ષની ઉંમરે દેશનાં પહાડગાળાઓએ દત્તક લીધો. એક જ દોટે પાંચિયો ગિરિકંદરાઓમાં ગાયબ થયો.

[3]

“તાપો ! તાપો ! તાપો, મારા ભાઈઓ ! તાપો, અલ્યા છોકર્યો : આવાં તાપણાં તો અમે એકેય શિયાળે નો’તાં માણ્યાં.”

ગામડું બળતું હતું, વસતિનાં લોક એ લ્હાયના રંગે રંગાતા ગોળ કૂંડાળે બેઠાં હતાં. અને એક બુઢ્‌ઢો એ તમામને ઉપર મુજબ કહી આ વિપત્તિ પર રોનકનું ઢાંકણ ઢાંકતો હતો.

અણસમજનું સુખ માણતાં નાનાં છોકરાં તો સાચોસાચ પોતાનાં નાગાંપૂગાં શરીરોને આ ગૃહદાહની શગડીથી હૂંફાવતાં હતાં.

પંદરેક વરસના એક છોકરાને દૂર ઊભેલો દેખી બુઢ્‌ઢો ગામડિયો બોલવા લાગ્યો : “અલ્યા, ટાઢ નથી વાતી ? આ પોષ મહિનાની પવનફૂંકે ક્યાંક થીજી જઈશ થીજી; મઉ થા મા, ને હાલ્યો આવ આ સરકારી તાપણે ગરમ થાવા.” પણ છોકરો દૂર દૂર ચાલ્યો ગયો. જતાં જતાં એણે દિગ્મૂઢ બેઠેલાં લોકોની નિરાધારીનું દર્શન કર્યું. એના કાન પર એ ટોળે વળેલ ગામડિયાઓનો વાર્તાલાપ અથડાતો હતો :

“અસલના જુગમાં એક અહીરાવણ હતો, ને એના લોહીના એકએક