પૃષ્ઠ:Palkara.pdf/૧૪૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ધરતીનો સાદ
131
 

ટીપામાંથી સહસ્ત્ર અસુરો ઊભા થતા. વે’લાંની એ વાતુંને અમે ગપ્પાં માનતાં; પણ આજ નજરોનજર જોયું.”

“શું જોયું ?” બીજાએ પૂછ્યું.

“એક ફોજદારને આપણા જણે માર્યો, તો એનું ટીપેટીપું ગણીગણી રાજ આપણને હજારુંને બાળે-કૂટે છે.”

“નખ્ખોદ જજો એ રોયા ફોજદારના મારનારનું. એણે જ આપણાં જીવતર રોળી નાખ્યાં.”

ઠૂઠવો મૂકીને રડતી રડતી ગૃહહીન ખેડુપત્નીઓના આવા શાપ સામે કાનમાં આંગળી નાખતો એ છોકરો નાસતો હતો. જ્યાં જાય ત્યાં એને એ જ કાંડ નિહાળવાનું મળ્યું. પાંચ વરસથી એ પોતાની શોધને પંથેપંથે આ જુલમાટ જોતો આવ્યો છે. છુપાતો છુપાતો ભીખ માગીને ખાય છે, ને પહાડોના પથ્થરેપથ્થરે કીનાનું છૂપું હથિયાર ઘસે છે. જુવાનીની રાહ જોવે છે.

અઢારમે વરસે એની મૂછની રોમરાઈએ કાળો દોરો કાઢ્યો, એની ભુજાઓમાં ધ્રુજાટ ઊઠ્યો, ને એણે જબાન ઉઘાડી –

ફક્ત આટલા જ પૂરતી : મેળાઓમાં ગયો, ને સિપાહીઓના ચાબૂકો ઝીલતા જુગારીઓને કાને ચડી કહેતો ચાલ્યો : “તમને પાંચિયો બોલાવે છે – મોટા ડુંગરાને માથે.”

ડૂકેલાં નવાણોને કાંઠે નવકૂકરી રમતા ખેડુ જુવાનોને પડખે ચડી કહ્યું : “મોટે ડુંગરે તમારી વાટ જોવે છે.”

“કોણ ?”

“પાંચિયો.”

ખેડ ભાંગ્યા પછી સ્ટેશનની સડકે ભાડાગાડી હાંકવા લાગેલા ખેડૂતોને મળતો, ગાડાને ઠાઠે બેસતો, બીડીઓ પાતો, રાજના જુલમાટો સાંભળતો, ને રાતના અંધકારમાં ફક્ત આટલું જ વેણ સંભળાવી અદૃશ્ય થતો : “બધી વાતનો ઇલાજ એક છે. જાવ મોટે ડુંગરે પાંચિયા પાસે.”

ગામોગામના જોગટાઓ, મવાલીઓ, દાદાઓ, બદમાશો, રંડીબાજો,