પૃષ્ઠ:Palkara.pdf/૧૪૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ધરતીનો સાદ
137
 

મે’રબાનો !”

તે થંભ્યો. મુર્દાંના મોં ખુલ્લાં હતાં. મુર્દાંની આંખો ઉઘાડી ફાટ હતી. હમણાં જ જાણે મુર્દાં બોલશે.

“બોલો બોલો, અટકો છો શા સારુ ? બીઓ છો કોનાથી ? કહેવું હોય તે કહો. આપ નામદારનો સવતંતર મત કહો. બોલો.”

તે રાહ જોતો ઊભો. લાશો ચૂપચાપ ટાંપી રહી હતી. સાતેયની જીભો મોંમાંથી લબડતી હતી.

“નહિ જ બોલો ?”

એકાએક એને કંઈક સૂઝી આવ્યું : “હં હં ! ઓહો ! હવે બરાબર. તમારે બોલવું તો છે, પણ આ નેકપાક ખાનદાન માણસોએ તમારી જબાનો બહાર કાઢી નાખી છે, તમને બોલ બોલ કરવાની બૂરી ટેવ પડેલી તે ઠંડાવી દીધી છે; ખરું ? હેં હેં ! હેં હેં હેં ! બરાબર, બરાબર, હવે મને સમજ પડી કે તમે શા સારુ નથી બોલતા.”

થોડી વાર એ બોલતો અટકી પડ્યો. થૂંક ગળીને પોતાના સુકાયેલા કંઠને ભીંજવતો હતો.

પછી ફરીવાર હાથછટા કરીને એ મુર્દાં તરફ વળ્યો : “ત્યારે હવે તમને પૂછું છું, મે’રબાન જૂરીના મેમ્બર સાહેબો ! કે આ પરગજુ, દયાળુ મહાપુરુષોને કાયદેસર ઇન્સાફ આપશો ને તમો ! તમારો જે ન્યાય એમણે તોળ્યો છે તે જ ન્યાય તમે એમનો કરશો ને ? હેં ?”

મુર્દાં એકીટશે જોતાં હતાં.

“જો તમે કબૂલ હો તો ચૂપ બેઠા રે’જો.” નાક પર આંગળી મૂકીને એણે કહ્યું.

“કબૂલ ?”

મુર્દાની જીભ બહાર લબડતી રહી.

“ખાસું ! કબૂલ છે. મે’રબાન જડજ સા’બ ! જૂરીને કબૂલ છે. આપને ?”

“કબૂલ છે.” જડજ બનેલો ડાકુ બોલ્યો.