પૃષ્ઠ:Palkara.pdf/૧૭૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
160
પલકારા
 

પ્રમુખ તરીકે તમારી વરણી થઈ છે, જલદી આવો.”

“પાંચાભાઈ !” ભાઈજીએ બહારવટિયાના ખભા પર હાથ મૂકીને કહ્યું : “તમે જ આ વિજય અપાવ્યો છે. તમારા ગુણ –”

“ભાઈજી,” પાંચાએ આ આભારદર્શનથી અકળાતાં અકળાતાં કહ્યું : “અમારે સંધાયને રાજનગર જોવાનો ઉમંગ છે. ભાઈજીની સવારી ધામધૂમથી ઊજવી લઈએ એટલે અમે ગંગા નાયા.”

એમ કહીને એ પાંચ હજારની ફોજને તૈયાર કરવા ગયો.

વિજેતા લોકનાયકની જોડે સામૈયે ચડવાના અભિલાષે પાંચ હજારને ગાંડાતૂર બનાવી મૂક્યા. પડાવમાં હર્ષની કિકિયારી ઊઠી. સહુ પોતપોતાનાં લેબાસો, હથિયારો ને વાહનો શણગારવા લાગ્યા. ઘોડા-સાંઢિયાને ઘૂઘરા, જેરબંધ, ફૂમતાંના ગોટા, કોડી, શંખલાની માળાઓ વગેરે શોભી ઊઠ્યાં.

બહારવટિયો જાણે પોતાના સગા પુત્રની જાન જોડતો હતો.

ભાઈજીના સેનાપતિએ આ સજ્જ થતી ફોજ દીઠી. એણે આવીને ભાઈજીને વિનતિ કરી : “આપ શું આ અડબૂત ગામઠી ફોજને સાથે લેવા માગો છો ?”

“હા, કેમ ?”

“મારા નમ્ર મતે એ ભૂલ થાય છે.”

“ભૂલ શાની ?”

“આપ ત્યાં વિજેતા બનીને જતા નથી, પ્રજાજનોના બાંધવ બનીને જાઓ છો. આ સૈન્ય તો સંશયનો ને ભયનો વિષય બનશે.”

“એ સાચી વાત.”

પાંચાને તેડાવીને કહેવામાં આવ્યું કે “સૈન્ય વિખેરી નાખો.”

“એમ કેમ બને ?” પાંચો હાંફ ખાઈ ગયો : “હજી અમે ભાઈજીને રખેવાળી કેમ છોડશું ?”

સેનાપતિએ સુલેહશાંતિનો મુદ્દો બહુ તંગ બનાવ્યો. ભાઈજીએ પાંચાને કહ્યું : “ભાઈ ! હવે કશો ભય નથી. હું તો હવે આપણાં પોતાનાં જ બાંધવો અને બહેનોની વચ્ચે મહોબતનું નોતરું પામીને જાઉં છું.”