પૃષ્ઠ:Palkara.pdf/૨૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૦
પલકારા
 

સમજતા ?”

“શું ?”

“એણે મને તમારી પત્ની તરીકે શા માટે ઓળખાવી ?”

“મશ્કરી કરવા ?”

“નહિ. પ્રોફેસર ! હું કોણ છું, જાણો છો ?”

“તમે શેઠ સાહેબનાં બહેન – ભાણેજ – કે-”

“હું એમની સગી નથી, પ્રોફેસર ! એમની ઉપપત્ની છું.”

માસ્તર સાહેબે ઊંચી ટોચે ચડીને પાતાળ-તળિયું દેખ્યું. એણે શ્વાસ ખેંચ્યો.

“એ નીચને, નરાધમને, મને ફસાવી પોતાનું રમકડું બનાવનારને પોતાની પત્ની સમક્ષ મારું સ્વતંત્ર ઓળખાણ આપવાની હિંમત નહોતી. તેણે મને અપમાનિત કરી -” બાઈના હોઠ થરથરતા હતા.

“હું ખરેખર ક્ષમા માગું છું.”

“પ્રોફેસર ! ભલા ભોળા મનુષ્ય ! તમને હું હવે નહિ છોડું. એ અપમાન હું સાચું કરી બતાવીશ.”

“આપ એવું ન બોલો. મને પાપમાં ન નાખો. મને ક્ષમા કરો.”

માસ્તર સાહેબનું માથું ચક્કર ફરવા લાગ્યું. આ શા દાવપેચ રમાઈ રહ્યા છે ? આ શેઠના જીવનમાં શું પડ્યું છે ? હવે આ સ્ત્રીની વૈરવૃત્તિ મારો શો ઉપયોગ કરશે ? – ઝડપી વિચારચક્ર ફરવા લાગ્યું.

[6]

બીજો દિવસ : અને બીજું એક સત્ય માસ્તર સાહેબની રાહ જોતું દ્વાર ખખડાવતું હતું. રસશાળાને બારણે કારમી બૂમો પડી : “ક્યાં છે એ ચોટ્‌ટો ? ક્યાં ગયો એ પાખંડી પ્રોફેસર ? આમ આવ, બચ્ચા ! તારા હાથપગમાં બેડીઓ પહેરાવીશ – નહિ છોડું. નહિ છોડું.”

એવા બરાડા પાડતો, ન સાંભળી જાય તેવી ગાળોની તરપીટ પાડતો એક આદમી રસશાળામાં ધસી આવ્યો. એના હાથમાં મશહૂર પ્રોફેસર …ના લેબલવાળો આસવનો સીસો હતો. એણે એ સીસા વતી માસ્તર સાહેબ