પૃષ્ઠ:Palkara.pdf/૩૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.



દીક્ષા


ન્ય છે, ભાઈ! ધન્ય છે એના ભાવને ! આટલી બાળ અવસ્થામાં દીક્ષા ધારણ કરે છે!”

“કેટલીક અવસ્થા ધારો છો એની?”

“અઢાર-વીસ તો માંડ હશે. પરણી લાગતી નથી. ધન્ય છે બાળબ્રહ્મચારિણીને!”

“હા-હા-હા-હા ! બાળબ્રહ્મચારિણી ખરી !”

"કાં ?

“સગપણ હતું તે તૂટ્યું છે. કોઈ સંઘરતું નથી. વીસ વરસની અવસ્થાએ બીજો ઉપાય શો? કાં કૂવો ને કાં દીક્ષા. ચેરાઈ ગઈ છે ભાઈ, ચેરાઈ ગઈ છે ! નહિ તો સંસાર ત્યાગવો એ કાંઈ આકડેથી મધ ઉતારવાનું કામ નથી.”

"ચેરાઈ ગઈ છે?”

“હા, ચેરાઈ ગઈ છે.”

“પણ મોં ઉપર તો ભારે વૈરાગ્યના ભાવ ઉઠેલ છે.”

"સો ઉંદરડા મારીને મીનીબાઈ હજ પઢવા ચાલ્યાં છે. બે વરસ પહેલાંની એની જુવાની જોઈ હોત તો ખબર પડત. ફાટફાટ મસ્તી ! મોકળી લટો: ઓઢણાની મથરાવટી તો ખંભે જ પડી હોય; પગ પડે ત્યાં ધરતી ધણેણે :એનું હસવું ચાર ભીંતો વચ્ચે ન માય. એને કોણ સૂંઘે? કાંઈ મફતની ચેરાઈ ગઈ હશે ?”

"ચેરાઈ ગયેલ છે.”

"ગામની બજારને હાટડે હાટડે પરગામનાં ઘરાકોને માલ વેચતા

29