પૃષ્ઠ:Palkara.pdf/૪૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
દીક્ષા
33
 

ક્રિયામાં પાપ દેખતી ભયભીત આંખો; વ્રતો અને ઉપવાસોની આગ લગાડીને સળગાવી નાખેલી કુંજાર વાડીઓ જેવા ચહેરાઓ; એંશીથી લઈ અઢાર વર્ષની ઉંમરની એવી પચાસેક સાધ્વીઓ ત્યાં ધર્મપાઠ ભણતી હતી.

પાઠમાં કંઈક આવા આવા શબ્દો પકડાતા હતા :

“હે પ્રભુ! હે જગજ્જનની ! આ અપરાધી જીવ તારે શરણે આવે છે, પાપમાં અટવાયેલા, રાગદ્વેષમાં ખૂંચી ગયેલા આ બાળ આત્માને તું બહાર કાઢજે ! નરકની ખાણ જેવું જે આ જગત, તેના વાયરા એને વાવા દઈશ ના.”

આ સ્તોત્રો રટાતાં હતાં ત્યારે મોટી બહેનની આંખો તો હજુ એની એ ‘નરક-ખાણ’ ઉપર, માવિહોણાં બની ગયેલ ચાર કુટુંબીજનો ઉપર જ ચોંટી રહી હતી. “પાપી ! પાપી !” એવા બોલ બોલીને સાધ્વીઓ જાણે કે મોટી બહેનના પિતાને તમાચા મારી રહી હતી. બાપ મનમાં મનમાં ધર્મને પૂછતો હતો કે “હે જાલિમ ! મારી દીકરીએ કયું પાપાચરણ કર્યું છે તે તો મને કહે !”

ત્રણેય ભાંડરડાં પણ સાધ્વીઓના મુખપાઠ સાંભળતાં સાંભળતાં મોટી બહેનને પગથી માથા પર્યંત નીરખતાં હતાં, અને પાપ નામની શી વસ્તુ હશે તેની વ્યર્થ શોધ તેઓ મોટી બહેનની આંખોમાં કરી રહ્યાં હતાં.

આખરે જ્યારે આ જગતની ‘ચેરાઈ ગયેલી’ ઉપર મઠના આંતરભાગના ડેલાએ પોતાનાં જડબાં જેવાં બે મોટાં કમાડ બીડ્યાં, ત્યારે બાપ બાઘા જેવો ઊભો થઈ રહ્યો, બે મોટાં ભાઈબહેન શાંત રુદન કરતાં ઊભાં, પણ નાનો કીકો તો દોટ કાઢીને ડેલા પાસે આવી પહોંચ્યો. એણે ચીસો નાખીબ્: “ઓ માબ્! ઓ માબ્! ઓ મા !”

નાના કીકાની ચીસોના જવાબમાં ડેલાનાં જંગી કમાડોએ ‘ક ૨ ડ ડ ડ !’ એવો ઘુરકાટ કર્યો.

[2]

ધર્માલયની દીવાલો કારાગૃહની કે કિલ્લાની દીવાલો કરતાં વધારે કાળી અને વધારે કરપીણ હોય છે. કેદખાનું ફક્ત શરીરને પૂરી રાખે છે,