પૃષ્ઠ:Palkara.pdf/૪૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૨
પલકારા
 

લાગણી અમુક ચહેરા ઉપર સુંદર ભાત પાડે છે, ચહેરાને એ ભયંકર બનાવે છે. પણ સુંદર અને ભયંકર, એ બે ઉપરાંત એક ત્રીજું સ્વરૂપ પણ દુઃખને હોય છે. એ સ્વરૂપ ઝીલનાર મોઢું બદશકલ બની જાય છે. એને દેખીને હસવું આવે. દુઃખનું હાસ્યાસ્પદ સ્વરૂપ સહુથી વધુ બિહામણું છે.

બાપ એટલુંય ન કહી શક્યો કે ‘બહેન !’ એકાએક ઊંઘતાં ઊંઘતાં જ ગાંડા બની જનાર માણસ જેવો એ ઊભો હતો.

ઉત્સવના ગીતધ્વનિ નજીક ને નજીક આવી રહ્યા હતા.

મોટી બહેન ઊભી થઈ. બાપની પાસે ગઈ. બાપ અને બાળક વચ્ચેનો સંબંધ તે વખતે પલટાઈ ગયો. બાપની દશા માથી વિછોડાતા બાળ જેવી બની ગઈ. બાળકને રુદન છે, લાગણી બતાવવાનું સાધન છે; આ પિતાને એની ઉંમર રડવા દેતી નહોતી.

મોટી બહેને બાપુના ખભા ઉપર વહાલભર્યો હાથ મૂક્યો. એનાં આંગળાં બાપુના ખભા ઉપર ઉતરડાઈ ગયેલી ડગલાની બાંયમાં અટવાયાં. બાપુનો ડગલો આટલો બધો ફાટી ગયો હતો તેનું ધ્યાન એને રહ્યું નહોતું.

“નાની !” એણે નાની બહેન તરફ વળીને કહ્યું, “બાપુના ડગલાને આટલું સાંધી લેવાનું ભૂલતી નહિ, હો બેન !”

આખો સંસાર ત્યાગવા જે ચાલી નીકળેલી છે, તેનું મન બાપના ડગલાની ફાટેલી બાંયમાં રોકાવા લાગ્યું. વૈરાગ્ય જાણે કે કોઈ બિલાડો હતો; ને મન ઉંદર સમું બનીને દોડી દોડી છુપાવાનું દર શોધતું હતું.

દીક્ષાનું સરઘસ શેરીઓ વટાવી, ઊંચાં મોટાં પગથિયાંની હારોની હાર ચડી જઈ, ગાતું ગાતું, ધર્માલયના કાળજૂના ઊંચા ઘુમ્મટો અને મિનારાઓની શ્યામ ગમગીન છાયા તળે આવી પહોંચ્યું. બબ્બેની જોડી બનીને ચાલી જતી જુવાન ગામકન્યાઓ આ ધર્મસ્થાનના ગંભીર ઓછાયાથી જાણે ભય પામતી હોય તેમ એના ગીતના સૂર ઊંડા ઊતરવા લાગ્યા. જાણે એ પુરાતન દીવાલો ને જંગી દરવાજાઓ આ ફૂટતી જુવાનીના સ્વરોને ગળી જતાં હતાં.

મૂંડાવેલાં માથાં ઉપર કાળા ઘૂમટા; નખશિખ સફેદ પોશાક; પ્રત્યેક