પૃષ્ઠ:Palkara.pdf/૪૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
દીક્ષા
35
 

એ જોડીદાર ગોરાણીના કંઠમાં ગત યૌવનના ઝંકાર હતા, એની આંખોમાં છૂપું છૂપું જનેતા-તત્ત્વ સૂતું હતું. એની મુખમુદ્રામાંથી જોબનના અણપુર્યા કોડ ડોકિયાં કરતા હતા. જુવાન સાધ્વીઓ પોતાના સુખ:દુખ એ મૈયા કને જઈ ખોલતી. આશ્રમની આ બે અધિષ્ઠાત્રીઓના શાસનમાં આશ્રમજીવન લીલું-સૂકું વહ્યા કરતું.

દાક્તર આવતા. કોઈ સાધ્વીની આંગળી પર ગૂમડું તો કોઈની આંખનો દુઃખાવો, એવાં બાહ્ય દર્દોની દવા કરીને પછી દાક્તર ઊભા રહેતા ત્યારે પેલાં ભદ્ર પ્રકૃતિવાળાં નાનાં ગોરાણી જુવાન સાધ્વીઓના ઊંડા માનસિક રોગોની પણ સારવાર યાચતાં હતાં.

“દાક્તર!” એણે એક જુવાન સાધ્વીને હાજર કરીને કહ્યું, “આ મૈયા દિવસે દિવસે શોષાતાં જાય છે. કશું ખાવાપીવાનું એને ભાવતું નથી.”

“તમારું મોં જરી બતાવશો, મૈયા!” દાક્તરે કરુણ સ્વરે પૂછ્યું, "ઘૂમટો ઊંચો કરો, મૈયા !” નાનાં ગોરાણીએ રજા આપી.

દાક્તરે એ ચહેરા ઉપર સળગી ગયેલું સુંદર ઉપવન દીઠું. પૂછ્યું : કેટલાં વર્ષની ઉંમર તમારી ?

"અઢાર.” જુવાન સાધ્વીએ જવાબ દીધો. એ એક જ બોલ હતો, છતાં જાણે ગળામાં ગૂંગળાતો હતો.

બુઢ્‌ઢા દાક્તરે મશ્કરી કરીને કહ્યું: “કંઈ જ નથી તમને, મૈયા ! કશો. જ રોગ નથી. બરાબર ઊંઘ કરો. મન પ્રફુલ્લિત રાખો, કસરત કરો....”

રોગી સાધ્વીને રવાના કરાવીને દાક્તરે નાનાં ગોરાણીને કહ્યું: “લગ્ન - એક માત્ર લગ્ન જ આ બીમારીનો ઉપચાર છે. અહીં પુરાયેલી આ જુવાન બ્રહ્મચારિણીઓના જીવનના અભિલાષ રૂંધાઈ રહેલ છે તેને મોકળા કરો. તે સિવાય ઇલાજ નથી.”

"દાક્તર! એ મૈયાને મોટી દીક્ષા અપાઈ ચૂકી છે. એ તો એની મા જોડે અહીં આઠ વર્ષની હતી ત્યારે આવેલી. હવે એને સંસારમાં મોકલાવી શકાય તેવું નથી.”

"નવાં મૈયા ક્યાં છે? શું કરે છે?”