પૃષ્ઠ:Palkara.pdf/૫૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૨
પલકારા
 

આંગળીઓ એના ગાલ પર અડકતી હતી. એ સ્પર્શના જાદુ થકી નવી સાધ્વીની સૃષ્ટિ પલટાઈ જતી હતી. પચાસેય સાધ્વીઓનું ટોળું એની ઘેલછા નિહાળતું રમૂજ પામી ઊભું હતું તે ભાન એ ભૂલી ગઈ હતી.

વડાં ગોરાણીએ દાંત કચકચાવીને કહ્યું: “આ દીક્ષાના આચાર કે? છે કાંઈ શરમ? ધર્મધ્યાનમાં તો મનનો ધડો નથી. દસ વાર પાઠ ગોખે તોય ઢૂંસાં ને ઢૂંસાં: અને આંહીં કોઈકનું રખડેલ છોકરું જડયું એટલે ગાંડી ગાંડી !”

પણ એના ઠપકાની કશી જ અસર નહોતી. કોઈ કશું કહી રહ્યું છે તેની જ ગમ નવી મૈયાને નહોતી. નવી સાધ્વી અને નવા બાળકનું ઓળખાણ જામી ચૂકયું હતું: બેઉ એકબીજાને પંપાળતાં હતાં ને: “હું મરું !” “મારા વા'લા, તારા પર હું ઘોળી જાઉં !” એ ગાંડપણના લવારા સંભળાતા હતા.

જગતનું મોટામાં મોટું ગાંડપણ જનેતાના હૃદયમાં વસે છે.

પણ હવે આ બાળકનું શું કરવું, તે પ્રશ્ન થઈ પડ્યો. ત્યાગીઓના મઠમાં બાળકને કેમ ઉછેરી શકાય? કયા કયા શાસ્ત્રની કેટલી કેટલી આજ્ઞાઓનો ભંગ થઈ જાય તેના દાખલા ટંકાવા લાગ્યા..

આખરે બુઢ્‌ઢા દાક્તરે આવી એ સમસ્યાનો નિકાલ આણ્યો. બુઢ્‌ઢાને બાયડી નહોતી, બચ્ચું નહોતું. એણે કહ્યું: “હું એને મારી પુત્રી કરી સ્વીકારું છું, પણ એને ઉછેરવાનું અહીં મઠમાં જ રાખવું. મોટી થશે એટલે હું એને લઈ જઈશ.”

“બરાબર. બસ એમ જ, એમ જ કરીએ.” એવા હર્ષભર્યા અવાજો ઊઠ્યા.

“એને હું ઉછેરીશ ! હું સાચવીશ ! મને આપો !” એમ એક પછી એક માગણીઓની પડાપડી થઈ.

“બસ કે?” મોટાં ગોરાણીએ ડોળા ફાડ્યા. “ધર્મસ્થાનકમાં બસ સુવાવડખાનું જમાવી દીધું? ને આચારવિચારમાં આગ મૂકી દીધી?

પણ એ ચેતવણીનાં વાક્યો સાંભળવાની કોને ફરસદ હતી? સહુના છાતી નીચે માતૃત્વ સળવળ્યું હતું. સંયમે ખાક કરેલી ફૂલવાડીમાં ફૂલો