પૃષ્ઠ:Palkara.pdf/૭૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
હિમસાગરના બાળ
69
 

ફેરવ્યો. તોયે પ્રેત દેખાયા કર્યું.

“અરે, અરે, માલા !” ભાઈબંધે આવીને આ ગભરાટ દેખી કહ્યું, “માલા જેવો બહાદુર બાણાવળી આમ ચમકે છે કોનાથી ?”

“ભાઈ ! જાનવર મને મનખ્યા રૂપ ધરતું દેખાયું. શું કરું ? તમે બુઢ્‌ઢા. માણસો મને આ પાતકમાંથી છૂટવાનો કોઈ ઇલાજ નહિ બતાવો ?"

“જો માલા ! દેવને ડુંગરે જઈ દેવ પાસે નવું નામ પડાવી આવ. દેવ નવું નામ દેશે તો તારો નવો અવતાર લેખાશે. પછી તને ગોરાનું પ્રેત નહિ સંતાપે.”

માલો દેવ ડુંગરે ચાલ્યો. પથ્થરોની ઊંચી બે દેરડી ઊભી કરી હતી. ત્યાં દેવતા હોંકારો દેવા ઊતરતા એવી દરિયાઈ લોકોની માન્યતા હતી.

દેરડી પાસે ઊભા રહી, બે હાથ વાદળ તરફ ઊંચા કરી માલાએ અરજ ગુજારી : “ભગવાન ! એઈ ભગવાન! હવે મારો કાંઈક છૂટકો કર ને, બાપ! મારું નવું નામ પાડ ને હવે! હું તો કાયર થઈ ગયો છું, હવે કાંઈક જવાબ દે, કાંઈક હોંકારો દે તારા બાળને; એઈ ભગવાન!”

દેરડીની ઓથે લપાઈને ઊભેલું એક માનવી માલાની આ આર્તવાણીમાં પોતાના હૈયાના મૂંગા કાકલૂદી-સ્વરો મિલાવી રહ્યું હતું. માલાને એ ખબર નહોતી.

“કાંઈક તો હોંકારો દે, ભગવાન?” માલો રાહ જોતો હતો.

‘કિરકી...ક! કિરકી...ક! કિરકી....ક’ એવા ચીંકાર કરતી એક ચીબરી એ નિર્જન સ્થાન પર ભમવા લાગી.

“શું ? શું કહ્યું? કિરપીક? માલાએ એ બિહામણા મોંવાળા ભેરવપંખીની ચીસમાં દેવવાણી કલ્પી.

ફરીને પંખીએ માથા ઉપર આંટા દીધા, ને ચીંકાર કર્યા : કિ-રકી-ક! કિ-રકી-ક!

“હાં, હાં, કિરપીક : કિરપીક! કિરપીક : મારું નવું નામ કિરપીક !" માલો હર્ષાવેશમાં આવી ગયો: “માલો મરી ગયો, કિરપીક જન્મી ચૂક્યો : હો-હો-હો-હો-હો !”