પૃષ્ઠ:Palkara.pdf/૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

અને એકાંતમાં, હસતાં હસતાં અને અશ્રુભેર, એ છાયાશરીરધારીઓને મેં આહ્વાહન કર્યું, મારાં એ સહુ પ્રિયજનો બન્યાં, તેઓનાં ગુપ્ત આવાસોનાં બારણા મારે સારુ ઊઘડી ગયાં તે પછી જ તેઓની આ પિછાન આપવાનું 'અરે માટે શક્ય બન્યું.

આ પિછાનને, આ તેમના હાર્દ-ઉકેલને, આ પૃથક્કરણને સાહિત્યનો સમીક્ષક મૌલિક નહિ માને. મેં એને સર્જ્યાં નથી. પણ સર્જવામાં જો પ્રસવવેદના રહેલી છે, તો ઉછેરવામાં, સમજવામાં ને ચાહવામાં ય ક્યાં ઓછી વેદના રહી છે !

‘પ્રતિમાઓ’ની વાર્તાઓનો આધાર નીચે લખ્યાં ચિત્રપટોનો લીધો હતો :

જનેતાનું હૃદય : ‘સિન ઓફ મૅડલીન ક્લૉડેટ’
પાછલી ગલી : ‘બેકસ્ટ્રીટ’
પુત્રનો ખૂની : ‘ધ મેન આઈ કિલ્ડ’
એ આવશે : ‘મૅડમ બટરફ્લાય’
આખરે : ‘ધ સીડ’
મવાલી : ‘20,000 યર્સ ઇન સિંગ સિંગ’
આત્માનો અસૂર : : ‘ડૉ. જેકિલ ઍન્ડ મિ. હાઇડ’
જીવનપ્રદીપ : ‘સિટીલાઇટ્સ’
હાસ્ય: પહેલું અને છેલ્લું : : ‘ધ ક્રાઉડ’

એ નવ અને આ છ, પંદરે પંદર પૈકીનું જે જે ચિત્રપટ જોવા મળે એ ન ગુમાવવા દરેકને મારી વિનતિ છે.

પડદા ઉપર આજે યુરોપ પોતાની જીવનસમસ્યાઓ ચર્ચે છે. એક પણ પ્રશ્ન એણે અણછેડ્યો રાખ્યો નથી. લોકભોગ્ય કલાનું આવું બહોળું ક્ષેત્ર કલુષિત આશયોને માટે પણ વપરાય છે તેની ના નથી. – ને કઈ કલા નથી વપરાતી ! – પરંતુ બીજી બાજુ એની મહાન મંગલ શક્યતાઓ તો નિહાળો !

ઉત્કૃષ્ટ જગસાહિત્યને ચિત્રપટે જનતાનાં હૃદયાંગણમાં લાવી મૂકેલ છે. જ્ઞાનગંભીર અને કલાસવી એના અભિનેતાઓ – બૅરીમોર બંધુઓ, ચાર્લિ ચેપ્લિન, ફ્રેડરીક માર્ચ અને હેલન હેઇઝ જેવાં – સાચા જીવનતત્ત્વનાં જાણણહાર છે.

[8]