પૃષ્ઠ:Palkara.pdf/૮૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
હિમસાગરનાં બાળ
79
 

મને તમારા ઉપર ભારી વહાલ આવે છે. યાર ! અને આ શું ?” ઑફિસરના લેબાસ પર, બટનો પર, બૂટ પર હાથ ફેરવતો ફેરવતો માલો કહેવા લાગ્યો : “એ…હે…હે…હે… ! યે તેરી ખૂબી : વાહ ! ટાટમટાટ ! કાઢ્યો ક્યાંથી આ ભપકો ? એહ ! બન્યો છે ને કાંઈ ! ભારી બંકડો મર્દ લાગે છે ! હાય હા…ય તારો રુઆબ ! આફ્રિન ! અચ્છા, દોસ્ત ! અત્યારે તો હવે મોડું થઈ ગયું; મને આવે છે ઊંઘ. તું પણ થાક્યો હોઈશ. જા, સૂઈ જા ! સવારે મળશું.”

એટલું કહી અમલદારની બાઘા જેવી સ્થિતિ કરી મૂકી, અંદરની કોટડીમાં ચાલ્યા જઈ માલાએ જોરથી બારણું ભીડી દીધું.

બન્ને તાબેદાર અમલદારો બીજી બાજુ મોં ફેરવી જઈ હસવાનું ખાળવા લાગ્યા. સામ્રાજ્યના એક માતબર અધિકારીનો આટલો રમૂજી તુચ્છકાર અગાઉ કદાપિ થયેલો નહોતો.

“એ શું લવલવી ગયો ?” હાકેમે પૂછ્યું.

“જી. એણે કહ્યું કે હવે આપ નિદ્રા કરો.”

ભડભડ બારણું ઊઘડ્યું, ને બિછાનામાં પડેલા માલાએ ડોકું કાઢ્યું; કહ્યું : “મારી નીંદરમાં ખલેલ ન કરો. મને વહેલા સૂવાની ટેવ છે, સમજ્યા ?”

બેવડા જોરથી પાછું બારણું બંધ કર્યું, સામ્રાજ્યના હાકેમે પોતે પણ હસવું ખાળવા માટે ખોંખારો ખાધો.

ફરીથી બારણું ઊઘડ્યું; માલાએ પૂછ્યું : “ગળામાં કાંઈ ભરાયું હોય તો તમારી કોટડીમાં જઈને ઇલાજ કરશો ?”

તમાચો મારતો હોય તેવા તોરથી ને જોરથી એણે ત્રીજી વાર બારણું ભીડ્યું.

ગોરાઓ થોડી વાર ચૂપ બેઠા. પ્રભાતના કાર્યની તૈયારી માટે મસલતો કરી.

દરમિયાન પાછલી કોટડીમાં બિછાના પર પડેલા માલાને કાણિયો દુભાષિયો ઠંડે કલેજે ખબર દેતો હતો : “માલા ! કાલે સવારે તને ફાંસી આપશે.”

“ફાંસી !!! ફાંસી શું ?”