પૃષ્ઠ:Palkara.pdf/૯૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
હિમસાગરનાં બાળ
81
 

વતનના આવા ભણકારા ઊઠ્યા. શિકારીની છાતી ફાટવા લાગી. આં-હાં-હાં-હાં ! નાના નમાયા બાળકની જેમ એ રડી પડ્યો. હાથકડીની સાંકળને એણે ઝટકો માર્યો.

“સૂઈ જા, માલા ! સૂઈ જા. નાહક શ્રમ લેતો નહિ !” એટલું કહીને હન પડખું ફેરવી ગયો.

પોતાની કરપીણતા નિર્જીવ લોઢાં-લાકડાને ભળાવીને માણસ સૂઈ શકે છે : ઘસઘસાટ સૂઈ શકે છે.

એ અંધકારમાં માલાએ હાથકડીની ચૂડ છોડાવવાનો મૃત્યુ-સંગ્રામ માંડ્યો.

લોખંડની નાની બંગડી-શી એ હાથકડીએ પોતાના મહાબાહુ કેદીનું જોર ઠંડે કલેજે માપવા માંડ્યું.

કાંડું, ભુજાઓ છાતીનાં પાટિયાં, પગની ઘૂંટણો : ગરદન અને માથું : દરિયાઈ દાનવોના આ મહાકાલ-સ્વરૂપ માનવીની નસેનસ સામટાં એકઠાં થયાં : રુધિરના ટીપેટીપામાંથી તાકાત ખેંચીને એકઠી કરી.

હાથકડીએ મચક દીધી નહિ.

પાંસળીઓના જાણે અબઘડી ચૂરેચૂરા થઈને ડોળા નીકળી પડશે, માથાની ખોપરીના કાછલાં ફાટશે – એટલું જોર અજમાવ્યું. શરીરની પ્રત્યેક પેશી ધુમાડા કાઢતી ઊપસી આવી : રોમરોમમાંથી પાણી ટપકી પડ્યાં.

આખરે કાંડું નીકળ્યું – સાથોસાથ કેદીના કલેજામાંથી લોહીનો કોગળો પણ નીકળી પડ્યો.

વેદના વિજય પામી.

લાય બળતો એ ઊઠ્યો. બહાર નીકળ્યો. કપડાં પહેર્યાં. પાંચેક બંદૂકો પડી હતી તેમાંથી પહેલી જે હાથમાં આવી તે ઉઠાવી. કારતૂસોનો પટો ઉપાડ્યો.

પોતાની કુત્તા-ગાડી જોડીને એ પલાયન થયો.

[15]

મોત ભયાનક છે. દગલબાજી અને મોત બેઉ ભેળાં થાય છે ત્યારે