પૃષ્ઠ:Palkara.pdf/૯૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
બદનામ
89
 

ઓરતે પૂછ્યું.

શહેરનો પોલીસ અમલદાર જેને ‘મોતડી’, ‘વખતુડી’ કે ‘ઓલી રાંડ ઝબુડી’ કહી બોલાવે છે એ વર્ગની આ ઓરત હતી. આ વર્ગની ઓરતો ગુના કરવામાં શામિલ થાય છે તેમ ગુના પકડાવવામાં પણ કામ લાગે છે. આજે એ ગામના કોઈ ડામીજની રખાત બને છે, તો કાલે એ પોતાના ઘરના ડામચિયામાંથી જ એ ડામીજને પોલીસ-સ્વાધીન કરે છે; નાગરાણીનો વેશ પહેરી હાટકેશ્વરમાં પણ જાય છે ને ફૂલફગરનો ઘેરદાર ઘાઘરો ફંગોળતી ગોકળ આઠમનો મેળો પણ ગજાવી મૂકે છે. આવી જ એક અલાયદી જ ઓરત કોમ ગામેગામ વસેલી છે તે માયલી જ એક આ ઓરત હતી.

કરડા આદમીએ એને કહ્યું : “શો વિચાર છે તારો ?”

“શેનો વચ્ચાર, સા’બ ?”

“આ બિખારીની દશા જ ભોગવ્યા કરવી છે ? આ તારી અક્કલહોશિયારીનું કાંઈ ઈનામ નથી જીતવું, રાંડ ?”

“પણ શી રીતે, સા’બ ?”

“તારા રાજને લગતી થોડીક બાતમી મેળવી આપીશ ?”

“તમે કોણ છો ?”

"મારી ઓળખાણની જરૂર છે તારે ? કે નાણાં જોવે છે ?”

“અરે, સા’બ ! નાણાં મળે તો પછી મારે તમારી પડપૂછમાં પડવાનીયે શી જરૂર છે ? તમે ગમે તે હો. તમે કહો તે કરી આપું. તમે જેનું નામ લ્યો તે અમલદારને ફોડી દઉં.”

“શાબાશ !”

“હવે, સા’બ ! મારું એક વેણ રાખશો ? વરસાદમાં પલળ્યા છો તે એકાદ ગલાસ દારૂ લેશો ? મારા સોગન જો મારા ઘરનો એક ગલાસ ન ચાખો તો.”

ઘરમાં લટકતા શીંકા ઉપરથી ઓરતે દારૂનો સીસો ઉતાર્યો, ને લીલા ગ્લાસમાં ઠલવ્યો. સીસો ખાલી જ હતો.