પૃષ્ઠ:Pankaj.pdf/૧૨૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૧૪ : પંકજ
 

માંડી.

'કેમ ઉતાવળ કરે છે ?'

'ચાર વાગી ગયા. હવે ચાનો વખત થયો.'

'જરા થોભી જઈએ.'

'શા માટે ?'

'પેલા વિવેચકને આવવા દઈએ.'

'તે આવી ગયા.'

'ક્યાં છે ? બોલાવતી કેમ નથી ?'

'તે તમારી સામે જ છે. તેમને બોલાવવાની જરૂર નથી.'

'શું ? જરા સમજાય એવું બોલ.' સનતકુમાર વ્યાકુળ બની બોલી ઊઠ્યા.

'તમારામાં સમજ ક્યાં છે? જોજો, માનવતા પાછી ઓસરી ન જાય.' સુહાસિની બહુ દિવસે ખડખડ હસી.

સનતકુમાર ફાટી આંખે સુહાસિનીને જોઈ રહ્યા. ક્ષણ બે ક્ષણ પછી તેમનું આશ્ચર્ય સ્થિર થતાં તેઓ બોલી ઊઠ્યાં -

'ત્યારે એ ટીકા તું લખતી હતી ?'

'પતિની ટીકા પત્નીથી ન જ થાય એમ માનો છો ?'

સનતકુમાર એકાએક ઊભા થયા. તેમણે પૂછ્યું :

'મને કહ્યું કેમ નહિ?'

'મારી સાથે વાત કરવાની તો તમને ફુરસદ નહોતી.'

બે ડગલાં ભરી તેઓ સુહાસિનીની પાસે આવી ઊભા. તેનું મસ્તક ઊંચકી તેની આંખ સાથે આંખ મેળવી સહજ કડકાઈથી તેમણે પૂછ્યું :

'આ તોફાનનું શું પરિણામ આવશે તે તું જાણે છે ?'

'પરિણામ આવી ગયું.' સ્થિરતાથી સુહાસિનીએ જવાબ આપ્યો.

'શું ?'

'કવિતાએ ચોરી લીધેલા મારા પ્રિયતમ મને પાછા મળ્યા.'