પૃષ્ઠ:Pankaj.pdf/૧૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ખરી મા : ૫
 

સમજણો હતો; તેણે પરણવા તૈયાર થયેલી યુવતીને કહી દીધું કે ગત પત્નીના પુત્રને પોતાના પુત્ર તરીકે જ તેણે ઉછેરવો પડશે. યુવતીએ તે કબૂલ કર્યું : એક પ્રકારના ઉત્સાહથી કબૂલ કર્યું. અને ઘરમાં આવી માતૃભાવભૂખ્યા કુસુમાયુધને પોતાના જ પુત્રની માફક ઉછેરવાને પ્રામાણિક પ્રયત્ન તેણે આદર્યો.

'કુસુમાયુધ હવે ઊઠશો કે ? સાત વાગી ગયા.' ધીમેથી તે બાળકને જગાડતી.

'હવે માથામાં ધુપેલ નાખવું જોઈએ.' બાળક તેની પાસે બેસી વાળ ઓળાવતો.

'હવે નાહી લ્યો.' કુસુમાયુધ નાહી લેતો.

'ભાઈ હવે ઊઠી જાઓ. બે કરતાં વધારે રોટલી ન ખવાય, માતાની આજ્ઞા પાળી બાળક ઊઠી જતો.

'બહુ દોડવું નહિ, હો !' બાળકના પગ આજ્ઞા થતાં અટકી જતા.

'અને ચીસ પાડીને બોલાય જ નહિ.' બાળકના અણુઅણુમાં ઉભરાતો ઉત્સાહ શમી જતો.

બાળકને રીતસર ઉછેરવાની તીવ્ર વૃત્તિ અપરમામાં જાગૃત થઈ ગઈ. બાળક સુખી અને સારો થાય એ માટે તેણે ભારે મહેનત લેવા માંડી.

બાળક સારો થતો ચાલ્યો, આજ્ઞાધારક થતો ચાલ્યો; પરંતુ તેને ખરેખર શંકા થવા લાગી : 'મા આવી હોય ?'

આકાશમાં ઊડતું કલ્લોલતું પક્ષી એકાએક આજ્ઞાધારી વિમાન બની જાય અને જે સ્થિતિ અનુભવે તે સ્થિરતા કુસુમાયુધની થઈ. તેનાં કપડાંમાં સ્વચ્છતા આવી; તેની ગતિમાં સ્થિરતા આવી; ગૂંચવનારી પ્રશ્ન પરંપરાને બદલે ડહાપણભરી શાંતિનો એણે સહુને અનુભવ કરાવ્યો; અને આખો દિવસ પગ ન વાળતો ધાંધલિયો છોકરો નિશાળે જવાની પણ હા પાડવા લાગ્યો.

માત્ર તેનું શરીર સુકાતું ચાલ્યું.