પૃષ્ઠ:Pankaj.pdf/૧૩૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૨૪ : પંકજ
 

પાસે આવી બેઠાં.

'માલિની અને વીણા ક્યાં છે ?' થોડી વારે પ્રમોદરાયે પુત્રવધુઓની ભાળ માગી.

'આવતાં હશે : છોકરાંને જમાડે છે.'

એકાએક કોઈ બાળકને રડતું સાંભળી પ્રમોદરાય બોલ્યા :

'કોણ રડે છે ?'

'એ તો ઉષા.'

મોટા પુત્રની નાનકડી દીકરીનું નામ ઉષા હતું.

'કોણ રડાવે છે એને ?' પ્રમોદરાયે પૂછ્યું.

‘એને તે કોણ રડાવે? છે જ જિદ્દી.' બાળકીની એક ફોઈએ કહ્યું.

'જરા સમજાવો ! જે માગે તે આપો ! બાળક જીદ ન કરે તો કોણ કરે ?' દાદાએ પૌત્રીનો પક્ષ લીધો.

ભાઈઓ અને બહેનોએ પરસ્પરની સામે જોયું, અને એક બહેને કહ્યું :

'એમ જ કરે છે.'

પાંચ મિનિટ થઈ, સાત મિનિટ થઈ, દસ મિનિટ થઈ, છતાં રસોડા તરફથી આવતું બાળકનું રુદન બંધ થયું નહિ.

'હજી કેમ રડ્યા કરે છે ?'

'એ તો હમણાં છાની રહી જશે.'

'લાવો એને મારી પાસે.'

‘તમે મોટાભાઈ જરા આરામ લ્યો. હમણાં સૂઈ જશે.'

'રડતી સુવાડાય નહિ. જા, લઈ આવ મારી પાસે.'

અણગમતે તેમની પુત્રી ઊઠી અને રસોડા ભણી ગઈ. તેનાથી બને તેટલી સમજુતી કર્યા છતાં ઉષાનું રુદન બંધ પડ્યું નહિ. એટલે પ્રમોદરાયે છોકરીને લઈ આવવા બીજી પુત્રીને મોકલી. ન છૂટકે ઉષાને દાદા પાસે લાવવી પડી. ચારપાંચ વર્ષની બાળકી ડૂસકે ભરાઈ ગઈ હતી. પ્રમોદરાયે તેને ખોળામાં લઈને પૂછ્યું :