પૃષ્ઠ:Pankaj.pdf/૨૧૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ખૂન : ૨૦૯
 

અને ખૂનમાં મજા માણતા રતિલાલને ખૂન કરતો અટકાવી યશ મેળવો એવો નિશ્ચય કર્યો.

'પણ આવું અકારણ મૃત્યુ ! નહિ, નહિ, સુલતાને તો જીવતી રહેવા દે.'

રતિલાલના સાથીદારો રતિલાલ જેટલા ક્રુર નહિ હોય, અથવા સુલતાને બચાવવામાં તેમનો કાંઈ સ્વાર્થ હોવો જોઈએ એટલું અનુમાન અમલદારે કર્યું. સાથીદારોના આગ્રહથી સુલતા કદાચ બચી જાય; પરંતુ બિચારો સૂર્યકાન્ત તો આ રતિલાલની ખૂની ખંજરનો જરૂર ભોગ થઈ પડવાનો !

'ખૂન પણ એક કલા છે ! માનવીના અમુક ભાવોને ખૂન સંતોષી શકે છે. માટે જ ખૂન આવશ્યક છે.' રતિલાલની દલીલ સંભળાઈ.

ખૂની ફિલસૂફ પણ હતો ! અમલદાર ઉચ્ચ શિક્ષણ પામેલો હોવાથી પશ્ચિમના ખૂની કલાવિધાયકોનાં દ્રષ્ટાંત જાણતો હતો. હિન્દમાં પણ આ પરિસ્થિતિ ઊભી થવા લાગી ! સિનેમા, નવલકથા અને ગુનાનાં વર્ણને હિંદમાં પણ આવા ક્રૂર ખૂનીઓને જન્મ આપવા માંડ્યો.

'હરકત નહિ ! આ ખૂન હું જરૂર અટકાવીશ.' કહી અમલદાર નીચે ઊતર્યો. અને ઘરમાંથી નીકળતાં માણસો ઉપર સતત નજર રાખવા ગુપ્તચરોને ત્યાં જ ફરતા રાખ્યા. નારણને સાથે લીધો. અને તેના હાથમાં રૂપિયો મૂક્યો. રસ્તામાં જ તેમણે નારણને પૂછ્યું :

'નારણ, તું એ ખૂનીનો ધોબી છે ?'

'હા, જી, છ મહિનાથી એમનાં કપડાં ધોઉં છું.'

'ધરના માલિકનું નામ રતિલાલ ને?'

'હા, જી, એ તો ભાડે રહે છે.'

‘એમનાં કપડાંમાંથી તને શંકા પડે એવું કાંઈ જણાયું છે ?'