પૃષ્ઠ:Pankaj.pdf/૨૩૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૨૮ : પંકજ
 

જ નથી. ઈટલી અને આબિસીનિયા લડે. આપણે ન એક બંદૂક પકડવી, ન મેદાન જોવું, ન ઘા ખમવા, અને છતાં પંદર પંદર હજાર ઘેર બેઠે આપવા-લેવાનો સોદો આપણે કરી શકીએ છીએ.

'એમાં શુ ? એનું જ નામ સટ્ટો.' મેં કહ્યું.

'નામર્દોનો સટ્ટો ! '

'તું મર્દાઈનો સટ્ટો બતાવ.'

'તૈયારી છે? જોજે ફરી જતો.'

'બોલી નાખ. ફરી જનાર હું નહિ.'

તું જા ઇટાલીના લશ્કરમાં હું જાઉં એબિસીનિયાના લશ્કરમાં. પછી લગાવ આંકડો. ઈટલી જીતે તો હું પંદર હજાર આપું. એબિસીનિયા જીતે તો તું પંદર હજાર આપ.

'શાનાં ગપ્પાં મારે છે ? આપણને તે કોઈ લશ્કરમાં રાખે?' એક સટોડિયા શેઠિયાએ કહ્યું.

'માટે તો કહું છું આપણા સટ્ટા નામર્દોના છે.'

'ધારો કે આપણને હબસી લશ્કરમાં રાખે પણ અહીંથી આપણને સરકાર જવા દે ખરી? '

'એ નામર્દાઈ અંક બીજો.' મધુકર બોલ્યો.

'એમાં આપણે શું કરીએ ?' મેં કહ્યું.

'પેલા બેલ્જીયનોને એબિસાનિયા રાખી શકે, પણ હિંદીઓને હિંદ બહાર જવાનો પણ ક્યાં અધિકાર છે ?' મધુકરે કહ્યું.

'તો તું સટ્ટાબજારમાં શું કરવા આવ્યો ? એવું હતું તો ગાંધી મહાત્માના આશ્રમમાં જઈ બેસવું હતું.'

'મારા મનમાં એમ કે સટોડિયાઓ પાસેથી હું ખરું સાહસ શીખી લાવું.' મધુકર બોલ્યો.

અમારી તકરાર વધી પડી. ચા પીતે પીતે અમે બધા ખૂબ ગરમ થઈ ગયા. મધુકરને બજારમાંથી હાંકી કાઢવાની પણ કેટલાકની ઈચ્છા થઈ. પરંતુ એના જેવા ગુલાબી સટોડિયાને બજારમાંથી દૂર