પૃષ્ઠ:Pankaj.pdf/૨૪૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૩૨ : પંકજ
 

તો? ગામનું નામ તો તેણે દીધું હતું. જતાં આવતાં ખરેખર ત્રણ દિવસ થાય એમ હતા. ભાવતાલ અને વાયદાનું કામ એકાદ મિત્રને પણ સોંપી શકાય. વિચાર થતાં બરાબર તેનો તત્કાળ અમલ કરવો એ અમારા લોકોનો સ્વભાવ જ છે. એ બાજુએ ગાડી જવાને હજી બે કલાકની વાર હતી. મધુકર ત્યાં પહોંચી ગયો હશે. નાનું ગામ છે એટલે એને શોધતાં વાર નહિ લાગે. આપવા જેવી સૂચનાઓ આપી હું ગાડીમાં બેઠો. કોઈ ઓળખીતો માણસ મળ્યો નહિ, એટલે મધુકર મળશે કે નહિ એ વિષે શરત લગાવવાની મારી તીવ્ર વૃત્તિ સંતોષી શકાઈ નહિ.

ખરે બપોરે ગાડીએ મને ધારેલી જગાએ પહોંચાડ્યો. આવા ગામમાં મધુકર શા માટે આવ્યો હશે? મેં ધાર્યું હતું એવું નાનું એ ગામ ન હતું. છતાં ઝબકતી બુદ્ધિવાળા મધુકરને આ ગામ આકર્ષી શકે એ નવાઈ જેવું તો હતું જ. શહેરની રોનક અહીં ન હતી. પરંતુ સ્વચ્છતા અને વ્યવસ્થાનો વિચાર કરતાં આ ગામ હિંદનાં બીજાં ગામથી ઘણું જુદું પડતું હતું. ગાંધીયુગે દાખલ કરેલી પોશાકની સરળતા અને સ્વચ્છતા આ ગામે જાળવી રાખી હતી. આંગણાં સ્વચ્છ અને રોનકભર્યા સાથિયાવાળાં હતાં બાળકો ફરતાં આનંદ કરતાં હતાં. એક મંદિર પાસે મોટા વડ નીચે યુવકો ભેગા થઈ કોઈનું ભાષણ સાંભળતા હતા. ગામડિયણ સ્ત્રીઓ પણ કેટલીક બેઠેલી દેખાઈ.

ઉતાવળા આવતા એક યુવકને મેં પૂછ્યું :

'આજે ગામમાં કાંઈ ઉત્સવ છે?'

'ઉત્સવ? હા, એવું જ કાંઈ ખરું.' સહજ મુંઝાઈ યુવકે જવાબ આપ્યો.

'શાનો ઉત્સવ છે?'

'ઉત્સવ? હા...હા. અમે એક મરણતિથિ ઊજવીએ છીએ.'