પૃષ્ઠ:Pankaj.pdf/૬૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ગુનાની કબૂલાત : ૫૩
 

ખુશીથી આપનો ફટકો આવકારીશ. પણ એક ફટકો કે દસ ફટકા માનવીને મૃત્યુની શાંતિ આપી શકતા નથી. મારે મૃત્યુ જોઈએ — મૃત્યુની શાંતિ જોઈએ. જીવતરથી હું હવે કંટાળી ગયો છું. કેદખાનાના સળિયા બહાર મારે ઊભા રહેવાનું પણ સ્થાન નથી. સમાજ કરતાં સરકાર સારી છે. સરકાર ગુનેગારને બે ટંક રોટલો અને સૂવા માટે પાંચ હાથ જમીન પણ આપે છે. સમાજમાં તો એટલી સંકડાશ છે કે ગુનેગારને વેંત જગા પણ મળતી નથી ! પછી રોટલાની તો વાત જ શી ? ગુનેગારને માટે બે જ સગવડ હોઈ શકે : જીવવું હોય તો કેદ અને છૂટા રહેવું હોય તો મૃત્યુ ! મને હવે કેદનો યે કંટાળો આવ્યો છે. મને મૃત્યુ અપાવી શકશો ? આ જીવતરથી હું છૂટવા તલપું છું.

આ ગુનાની વાત ઉડાડી દેવા હું માગતો નથી. તે તો મારે કબૂલ છે. પોલીસને હાથ પડ્યા પછી ગુનો ઉડાડી દેવાનું મારું શું ગજું? નિર્દોષ માણસને માથે આરોપ આવ્યો હોય તો તેને પણ તે દૂર કરતાં નવનેજા થાય છે. હું તો ગુનેગાર રહ્યો. મેં ગુનો કર્યો છે. મારાથી તેની વાત કેમ ઉડાડી દેવાય? હું ઈચ્છું તો ય તે શક્ય નથી. હું ગુનો કબૂલું છું. આ એક જ નહિ પણ બીજા ગુના ય હું કબૂલ કરું છું. મેં કંઈક ગુના કર્યા છે. એ બધા ય આજ આપની આગળ કબૂલ કરીશ. મૃત્યુ માગતા થાકી રહેલા જીવને શું કરવા કશું સંતાડવું પડે ? સાંભળો ત્યારે મારા ગુનાની આખી યે નોંધ.

જેને આપ ગુના કરનારી જાત તરીકે ઓળખાવો છો તેવી જાતમાં મારો જન્મ થયો ન હતો. મારો જન્મ ઊજળી કોમમાં થયો હતો. કોમો તો બધી યે ગુના કરે છે, એટલે ગુના કરનારી જાતની સરકારે કરેલી યાદી ખોટી છે; બધી જાતો તેમાં આવવી જોઈએ. પરંતુ એટલું ખરું કે ઊજળી જાતની હોશિયારી તેના ગુનાને પકડાવા દેતી નથી; અને ગુના કરનારી તરીકે ઓળખાયેલી જાત બિચારી તેના પ્રામાણિકપણાને લઈને સરકારી દફતરે ચડી વગોવાય છે.