પૃષ્ઠ:Pankhadio.pdf/૧૦૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

છએક માસ એના આયુષ્યની અખંડ ચિતા જલતી જ રહી, ને ત્‍હેમાં જલીને તે ખાખ થઈ ગઈ.

એ સતી આપણા યુગમાં થઈ. ગુર્જર સન્નારીઓ ! એ ત્‍હમારી સહિયર હતી.

એનો જન્મ ઈ. સ. ૧૯૦૭ માં થયો.

એનું સંસારલગ્ન ઈ. સ. ૧૯૨૨ માં થયું

એનું સંસારવૈધવ્ય ઈ. સ. ૧૯૨૪ માં થયું.

એનું ચિતાલગ્ન ઈ. સ. ૧૯૨૫ માં ૧૮ ની વયે થયું.

એનાં સંસારલગ્નમાં હાજર રહેવાનું સૌભાગ્ય મ્હારૂં હતું. એનાં ચિતાલગ્ન વેળા ગેરહાજર રહેવાનું દુર્ભાગ્ય મ્હારૂં હતું.

પચાશેક વર્ષ પૂર્વે ઠરેલ બુદ્ધિના આપણા એક સાક્ષરશ્રી એમના સર્વોત્તમ નાટકના મુગટમણિમાં, જાણે ભવિષ્યવાણરૂપે, એનું નામ કોતરી ગયા છે; ને ગુર્જરકુંજવિખ્યાત અમરત્વ એને અર્પી ગયા છે.

ગુર્જરકુંજની આર્યજનતા ! આ ન્હાનકડી શી કરુણ કાદંબરી વાંચી અશ્રુમોતી ખરે તો સતીને વધાવીને ખરવા દેજે, પણ શોચીશ મા.

ગુજરાત ! આ ઈતિહાસે ગુણગર્વીલો થજે. પુણ્ય ને પવિત્રતાનાં સનાતન વ્હેણ વીસમી સદ્દીના સ્‍હવાર સુધી તો ત્‍હારે હૈયેથી સૂકાણાં નથી:

એની જીવનકથા ઉચ્ચરે છે કે, પ્રેયસની ને શ્રેયસ્‍ની પેઠે, વિલાસ ને કલ્યાણ નિરનિરાળાં છે.

૧૨૧