પૃષ્ઠ:Pankhadio.pdf/૧૦૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે



એ માર્ગે નગરલોક ઘણાં જતાં-આવતાં.

ચન્દનીના વ્હેણ જેવો માર્ગ ઉજળો હતો; પણ વચ્ચે વચ્ચે વૃક્ષછાયાના અન્ધકારના ઢગલા પડેલા હતા. પડછાયા શા ડોલતા એ ઢગલાઓ ખૂંદીને લોક એ ઉજળે માર્ગે ઘણાં યે જતાં-આવતાં.

આગળ મન્દિર હતું; અને એથી યે આગળ મૃત્યુધામ સમું સ્મશાન હતું. ત્ય્હાં આકાશપાતાળની પાયરીઓ ચ્‍હડતી-ઉતરતી.

એ એક ચૈત્રની સન્ધ્યા હતી. ખરૂં પૂછો તો વસન્ત ઉતરતી હતી ને ગ્રીષ્મ બેસતી હતી. દિવસ ને રાત્રીની હોય છે એવી ઋતુઓની એ સન્ધ્યા હતી.

જીંદગીની ઋતુઓનો યે ત્ય્હારે સંગમ હતો.

વૃક્ષો પ્રફુલ્લેલાં હતાં. કોયલ બોલતી હતી. પ્રકૃતિએ સૌન્દર્યના વાઘા સજ્યા હતા.

મ્હારી તો નવજન્મની જન્મતિથિ હતી. મૃત્યુનાં ઝેર પી, એ ઝેરનાં વમન કરી, જીવનને આરે પાછો સજીવન હું આવી ઉભો.

૧૨૫