પૃષ્ઠ:Pankhadio.pdf/૧૦૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

સંસારનાં મૃત્યુ નિરખો છો એમ, ઓ સંસારીઓ! સંસારના સંજીવને નિરખજો.

ખાલી હૈયાનો, ખાલી મસ્તકનો, લક્ષ્યસૂનો હું એ લોકમાર્ગે જતો હતો. માર્ગે વૃક્ષોના પડછાયા મ્હારા ઉપર પડતા ને સરી પડતા. એના ભાર મ્હને લેશે લાગતા નહિ.

હૈયાસૂનાને તેજ કે છાયાના ભાર લાગતા નથી.

હું મનમસ્ત હતોઃ બ્રહ્મવાદીના જેવો તો નહિ, ત્‍હો યે હું નિજમસ્ત હતો. કાંટાઝાંખરાં ઉખેડી ફૂલબાગ રચવાની, સંસારમાં સ્વર્ગ સ્થાપવાની, બ્રહ્માંડને ઉથલાવવાની તરંગાવલિ, દરિયાવમાં મોજાં ઉછળે છે એમ, મ્હારા અન્તરમાં ઉછળતી. સાગર શો હું દિશાશૂન્ય ને નિજમસ્ત હતો.

સૂર્યનારાયણ અસ્તાચળે વિરાજતા. આથમતા સૂર્યદેવની ઉડતી જ્વાળાઓની ઝાલરપાંખોનાં તેજપીંછાઓમાં સુવર્ણવર્ણાં કંઇ કંઇ સ્વપ્નાં હું જોતો.

નગરશણગારનારાંઓએ વડલાની અવનીઅડતી વડવાઇઓ રોપી રોપી કુંજઘટાઓ કીધી હતી ને મહીં સુખાસનો મૂક્યાં હતાં. નગરવિહારીઓની એ વિહારકુંજો હતી. આજે યે એ વિહારકુંજોમાં કાંઇ સૂનકાર જ ન્હોતો વસતો.

આજે મ્હારી આંખ દૃષ્ટિસૂની હતીઃ આંખ દેખતી, પણ ન્હોતી દેખતી.

૧૨૬