પૃષ્ઠ:Pankhadio.pdf/૧૦૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

મકના હાથી જેવો નિજમસ્ત બે હાથની બે સૂંધો ડોલાવતો હું વહ્યે જતો હતો.

સૃષ્ટિ સારી હસતી લાગતી. મનુષ્યોનાં મુખડાં ખીલેલાં કમળ જેવાં ભાસતાં. નવચન્દ્રની ચન્દ્રિકા વહી ત્રિલોકને રંગે છે એમ મ્હારા અન્તરમાંથી કંઇક આજ વહતું, ને વિસ્તરતું, ને જગતને રંગતું.

એ આનન્દનો રંગ હતો. મ્હારા આત્મામાંથી આનન્દની ફરફર આજ ઉડતી ને જગત ઉપર વરસતી.

ચિત્રફલક સમું આનન્દવર્ણું હૈયું સૌન્દર્યની છબિ ઝીલવાને સજ્જ હતું.

અણદીઠી કોયલ બોલે એવી એવે કુંજમાંથી મન્દિરઘંટા વાગી ને હું જાગી ગયો. આંખડી આભમાંથી ઉતરી, આત્મા ગગનમંડળમાંથી દેહદેશે આવ્યો, ને જગતસૌન્દર્ય નયન ભરી સન્મુખ ઉભું નિરખ્યું.

વૃક્ષો ઉપરની તેજવલ્લીઓ જોઈ, ઘટામાંના તેજસ્થંભ જોયા, પણ મન્દિરને પગથિયે દૃષ્ટિ ઠરી જ ગઈઃ જાણે તેજની કો અણદીઠીં સુવર્ણખીલીએ એને જડી દીધી ન હોય?

મન્દિરનાં પગથિયાં એટલે દેવની સ્‍હીડીઃ કોઇ ચ્‍હડે છે ને કોઈ ઉતરે છે.

૧૨૭