પૃષ્ઠ:Pankhadio.pdf/૧૦૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

દેવનાં દર્શન કરીને તે વળતી હતી, મન્દિરપગથિયાં ઉતરતી હતી. પગથિયે પગથિયે કમળપાંખડી વેરતી હોયે તેમ તે પાય ધરતી. એટલામાં ને આસપાસ એના અંગમાંથી કામદેવના ધૂપ ઉઠતા ને પ્રસરતા.

જાણે દેવાંગનાની પુત્રી અવનીમાં ઉતરી! જાણે ચન્દનીની પૂતળી પૃથ્વીપાટલે પધારી! જાણે સુન્દરતાએ રૂપ ધર્યું ને દુનિયામાં મહાલવા નીકળી! જાણે ચન્દ્રમામાંથી કોઇક ચન્દ્રફૂલ ખર્યું ને જગતમાં પમરવા માંડ્યું!

મન્દિરમાંથી જાણે કામદેવની સહસ્ત્રશિખ આરતી આવતી ન હોય એમ એ સુન્દરી આવતી હતી.

એનાં વિદ્યુતકિરણે મ્હને વીંધ્યો. મ્હને મોહનાં ધેન ચ્‍હડ્યાં ને મૂર્છા આવી. ક્ષણેક તો હું ચિત્રવત થંભી ગયો. પૃથ્વી પરના મનુષ્યે પહેલ્લી વાર ચન્દ્રમા દીઠો હશે ત્ય્હારે જેવી સાનન્દાશ્ચર્યની ભરતીમાં તે ડુબ્યો હશે એવા સાનન્દાશ્ચર્યમાં હું ડૂબી ગયો.

મન્દિરશિખરેથી મોર બોલ્યે હું જાગ્યો.

જાગ્યા પછી ઘડીએકે હું સચેત થયો. હૈયું ધડકતું હતું, આંખો તરવરતી હતી, ભમ્મરો ભ્રમહિન્ડોળે ચ્‍હડી હતી. મ્હારા અન્તરનો આરસચોક પડછાયો પડ્યે મ્હને મેલો ભાસતો. અવનીમાંથી સ્વર્ગે સંચરતાં જગજ્જનો સુરગંગામાં ન્હાય છે ને મેલ ઉતારે છે ત્ય્હારે સુરગંગા મેલી થાય છેઃ એવી મ્હારા આત્માની સુરગંગા જગત્‌મેલથી મેલી થઈ લાગતી.

૧૨૮