પૃષ્ઠ:Pankhadio.pdf/૧૧૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

ઉરના અન્ધારમાં મ્હારે અજવાળાં ઉગ્યાં, પડછાયાના ઢગલા ધોવાયા. ધૂમાડાના ધૂપ ઓસરી પરિમળના મેઘ ઉભરાયા. એ પરિમળનાં ગુલાબજળમાં આત્મા જાણે નહાવા લાગ્યો.

પછી જાગીને જોયું તો વસન્તરંગે રંગેલું જગત નિર્મળું હસતું હતું. ઉપર બીજનો નવચન્દ્રમા ચન્દ્રિકા વરસતો.

જગત હરિનો જય ઉચરતું હતું.

નીચે જોયું તો વિલાસની પ્રતિમા સમી હજી તો તે રમતિયાળ વિહારવિલોલ ગતિએ દેવમન્દિરનાં પગથિયાં ઉતરતી હતી.

પુણ્યઆંજી આંખડીએ પછી ઉંચે જોયું તો તે પરિમળની મૂર્તિ તેજની શિલાઓ સમી સંસારસ્‍હીડીએ ચ્‍હડતી હતી. એ રૂપમૂર્તિમાં યે કામપૂતળીને બદલે દેવકન્યા દીઠી. એને યે અંગે પૂજારણના પરિમળના વાઘા ભાસતા.

એવે બે વિજ્ઞાનશાસ્ત્રીઓ વિદ્વદ્‍ચર્ચા ચર્ચતા નગરમાર્ગે વિચરતા હતા, ને ત્‍હેમનું એક વિદ્વદ્‍વેણ મ્હારે કાને આવીને અથડાયું.

'સૂર્યને ચંદ્ર છે એવાં ફૂલ ને સન્તો પ્રકૃતિબાલકો છે. એમનાં યે વીજળીનાં ફોરાં ને સુવાસનાનાં કિરણો આત્મદેશમાં અજવાળાં વરસે છે.'

૧૩૧