પૃષ્ઠ:Pankhadio.pdf/૧૧૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

દેવલોકે સંચરે છે એમ કામવાસનાની ઝાળોનાં વિમાને ચ્‍હડીને મન સુન્દરીના દેહદેશમાં ઘૂમી આવ્યું.

પુષ્પમાં, પલ્લવમાં, વિટપોની કરચલીઓમાં ભમરો ઉડે એમ મન ઉડતું.

વિશ્વમાં એકલી પાપવાસના નથી, પુણ્યવાસના પણ છેઃ અને પાપવાસના કરતાં પુણ્યવાસના બલવન્તી છે.

જગતની પાર્થિવતાના પડછાયા પડે છે એમ જગતની જ્યોતિમૂર્તિઓમાંથી યે વિદ્યુત્‌ફોરાં વરસે છે. તેજનાં વિદ્યુત્‌ફોરાં પડછાયાની પડી ભાતને ધૂવે છે.

જગતનો અન્ધકાર સાચો છે તેમ જગતનાં તેજે સાચાં છે.

આજે અકસ્માતોનાં અન્ધારાંઅજવાળાં મ્હારે ઝીલવાનાં હતાં.

ભરી-ભરી ફૂલછાબ લેઇને એવે કને થઇને દેવની એક પૂજારણ નીકળી. ચન્દનીના વ્હેણ સમો સારો નગરમાર્ગ મઘમઘાવતી પૂજારણ મન્દિરપગથિયે ચ્‍હડી; જાણે પુરવાસીઓની પ્રેમભક્તિ પગથિયાં ચ્‍હડતી ન હોય!

પાછળ એના ઉડતા પાલવમાંથી પરિમળની પુણ્યસેર નિર્ઝરતી ને પૃથ્વીને પરિમળાવતી. એ પુણ્યનો પરિમળ મ્હારા યે અન્તરને પરિમળાવી રહ્યો.

૧૩૦