પૃષ્ઠ:Pankhadio.pdf/૧૧૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે



આઠે પહોરના અમૃતરૂપ એ સમય હતો. જગતશોભન સૂર્યસુવર્ણ આભમાં યે ન્હોતાં પથરાયાં, અને અન્ધકારના ઓછાયા પણ અન્તરિક્ષમાં ન્હોતા ઉડતા. રાત્રી આથમી હતી. તેજેતેજશીતળ રજતવર્ણું પ્રશાન્ત પ્રભાત પૃથ્વીહૈયે પથરાયેલું હતું; જાણે જગતે ચન્દનીની જાજમ પાથરી!

ત્ય્હારે ભડભડતી ચિતા સળગતી હતી.

તે એક નદીનો તટ હતો, ને નદીતટમાં સ્મશાન હતું. મનુષ્યભસ્મનો અંગલોપન કરતું વર્ષાનું અઘોર જળ રાખના ઢગલાઓમાં થઈને વહતુંઃ જાણે કો અઘોરીએ ઉછાળેલાં પૂર. જળ આજ પ્રમત્ત હતાં. નદીના તીર આગળ, રોજ બાળકો રમતાં ત્ય્હાં, વેળુના દળમાં એક બાળક બળતું હતું.

‘મ્હને સાથે જવા દ્યો. અજાણ્યે માર્ગે એ મ્હારૂં ફૂલ ભૂલું પડશે. ગામમાં તે ભૂલું પડતું ત્ય્હારે હું શોધી લાવતો. બ્હે્નને ખોળે આપતો, માતાને હૈયે સોંપતો. મ્હને જવા દ્યો. ત્ય્હાંના નવા માર્ગોમાં એને કોણ દોરશે? મ્હને સાથે જવા દ્યો.’

૧૩૫