પૃષ્ઠ:Pankhadio.pdf/૧૧૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

સ્મશાનમાં વેળુ પથરાયેલી હતી. જળ ને વેળુની સંગમસીમ ઉપર એક ન્હાનકડી ચિતા બળતી. લાંબા વાંસ લેઈ લેઈ કેટલાક મનુષ્યો સોનાની પૂતળી જેવા બાળકની મંહી ભસ્મ કરતા.

એ રેતીમાં રોજ બાળાઓ રમતી, બાળકો દોડતાં. પણ આજ ત્ય્હાં વયોવૃદ્ધ પુરુષમંડળ હતું. જીર્ણ શીર્ણ વિવર્ણ તનુશેષ એક પુરુષ પાછળ સહુ ઘૂમતા, એને ઘેરી લેતા, અળગો કરતા. વારંવાર સહુ એને ગામ ભણી વાળતા, પણ એની આંખ તો વળી-વળીને ચિતા, ને ચિતા પાછ્ળના જલઓઘને, ને એ બધાંની પાછળના આકાશને નિરખતી.

‘મ્હને ત્ય્હાં જવા દ્યો. જન્મદાતા મ્હારી જનેતા ત્ય્હાં છે, જીવનસખી મ્હારી બ્હેંન ત્ય્હાં છે, આશાપુષ્પ મ્હારૂં બાળકડું ત્ય્હાં છે. મ્હારૂં કુલમંડળ ત્ય્હાં છે, મ્હને ત્ય્હાં જવા દ્યો. દયાળુ થઈ ક્રૂર બનશો? વિરહી રાખી રાજી થશો? કુળનો માંડવડો મ્હારો વિખરાઇ ગયો. ત્હે,નું છેલ્લું ફૂલ કરમાયું, ખર્યું, ભસ્મ થયું. મ્હારાં સ્નેહનાં ફૂલ જ્ય્હાં છે ત્ય્હાં મને જવા દ્યો.’

એને ક્ય્હાં જવું હતું? એ રુદનમૂર્તિ પુરુષનાં સ્નેહફૂલડાં ક્ય્હાં હતાં? સહુ ક્ય્હાં જાય છે? જગતયાત્રાનો વિશ્રામઘાટ ક્ય્હાં છે? સ્નેહ ને આશાનાં ચિરસ્થાયી વિહારભુવનો કિયા દેશમાં છે? જ્ઞાનીઓ, યોગીઓ, ભક્તો, સ્નેહીઓ; સહુ શેને શોધે છે? ત્ય્હારે એને ક્ય્હાં જવું હતું? માનવકુલ ક્ય્હાં જાય છે?

૧૩૬