પૃષ્ઠ:Pankhadio.pdf/૧૧૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

દશે દિશા સંકેલાઇને એને એક દિશા થઈ હતી. વળી વળીને એની આંખ એ દિશામાં વળતી. જલપૂરને આરે ભગવા ભડકા ભભૂકતા, લાંબા વનવાસ લઇ મનુષ્યો મનુષ્યબાલની સૂકી આંખે ભસ્મ કરતા; એજ એનું આજ દર્શન હતું, એ જ એનું આજ જગત હતું.

પછી તો ચિતા પાછળ નદીનાં પૂર ઉપર અદૃશ્ય કંઇક ઝઝૂમતું એણે જોયું, ને જોઈને ખડખડાટ હસ્યો. રડતાં કે હસતાં એનો ઉચ્ચાર એક હતો, મ્હને ત્ય્હાં જવા દ્યો.

ચિતાની પાછળ ઘેરાં નીર વહતાં, ને ત્હેોની પાછળ સ્હાતમે તીરે વનકુંજો હતી. જલતીરની એ વનકુંજોમાંથી તેજનાં પુષ્પ સમું એક બગલું પાંખ ફડફડાવી અનન્તમાં ઉડ્યું ને ઉંડું -ઉંડેરૂં નિહાળતું નિહાળતું કય્હાંક એ આથમી ગયું. એ નિરખીને તે હસ્યો. વાદળ ને વાદળની પાછળ પથરાતી અનન્તતા નિહાળીને તે રોયો; ને પાછું એનું એ રટવા લાગ્યો.

‘મ્હને જવાદ્યો; ચિતામાં થઈ ચેતનલોકમાં, સ્નેહીઓની સંગે સ્વર્ગમાં કે નરકમાં. મ્હને ત્ય્હાં જવાદ્યો. જનારને ત્હજમે રોકશો? શક્તિ છે? તો ત્હેેમને જ રોકવાં’તાંને? મ્હને જવા દ્યો એ અનન્તના આંગણમાં.’

નદીના પટનો વિસ્તાર ઠીક-ઠીક હતો. મંહી રેતીનાં દળ હતાં. ત્હેેની ઉંચી ભેખડે સિંહાસન સમી ટેકરી હતી. એ ટેકરી ઉપર વિશાળ ઘુમ્મટાળાં પુરાણાં પુરાણાં આમલી ને આસોપાલવ ગોરંભતાં ટેકરી લીલમલીલી હતી.

૧૩૭