પૃષ્ઠ:Pankhadio.pdf/૧૨૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

શોક મોહ જ્ઞાન ત્યાગની વિવિધ વાતો સહુ કરતા હતા. સ્મશાનવૈરાગ્ય છલકાતો હતો. ઘડીકની યે એ છલક મહામૂલી હતી.

એકે કહ્યું: એ બાળા તો સાધુકુંજની સાધ્વી હતી. શોક શમાવવા, આંસુ લ્હોવાં, તપ્યાંને ટાઢાં પાડવા, શીત ચ્હયડ્યાંને ઉષ્મા પાવી, પંખીને પાંખ ને પ્રાણમાં પ્રેરણા પ્રગટાવવી એ એમનાં વ્રત. સાધુકુંજ આત્માની ઇસ્પિતાલ છે. મનનાં દુઃખનાં ઔષધ ત્ય્હાં મળે છે.

બીજા એ કહ્યું: એ તો વ્રતવિહારિણી છે.

તે દિવસનો બપ્પોર નમતો હતો. સ્નેહલતા શી તેજ છાયાઓ વિવૃદ્ધ થતી હતી. વનમાં ગોધણ ઝૂલતું ઝૂલતું ગામ ભણી વળતું હતું. આભ ઉંડાં ને ઘેરાં ને તેજસ્વી હતાં.

દાઝેલી દુનિયા ટાઢી પડતી હતી.

ઘંટા વાગી ને ગુંજતી ગુંજતી નિદ્રાલીન થઈ.

‘બાલકુંજનો સમય થયો છે.’

ન્હાના ન્હાના બિલોરી પ્યાલાઓ, મ્હોટા મ્હોટા સીસા, આરસના ખરલ, ઝીણી-ઝીણકી તુલાઓઃ સહુમાં વ્યવસ્થા પ્રવેશી, નિયમ પ્રવર્ત્યો. ક્ષણમાં તો દયામૂર્તિ શી સુન્દરીઓ ઔષધાલયખંડમાંથી નીસરી. વિશાળ એ શરીર સુખસમૃદ્ધિનું સંગ્રહાલય સૂનું પડ્યું.

૧૪૦