પૃષ્ઠ:Pankhadio.pdf/૧૧૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

કોને માટે છે? પ્રભુયાત્રાએ પ્રિયજન સંચર્યાં એમને કાજે? અનન્તમાં આનન્દે છે એથી યે અંહી આનન્દાવત? ત્ય્હાં આનન્દે છે માટે અંહી રડો છો? ખરૂં છે કે વિરહ ડંખે. કપરા છે મ્રુત્યુનાં વિષના ઉતાર. પણ અગ્નિમાં હાથ નાંખ્યે મ્રુત્યુના ડંખ નહિ મટે. ચાલો; આંસુ લ્હોઇ નાંખો; પૃથ્વી પુષ્પે ભરેલી છે.’

‘સ્મશાનમાંથી ક્ય્હાં લઈ જશો મ્હને? મ્હને અંહી જ રહેવા દ્યો. લઈ જ્શો તો ત્હ્મારે જ પાછો લાવવો પડશે સ્મશાનમાં.’

‘જેવી શ્રી હરિની ઇચ્છા. એના આદેશ, અમારે એ જીવનમન્ત્ર. જીવનવ્રત પૂરાં થયે આપણે યે ત્ય્હાં જવાનાં નથી? જીવનનાં આદર્યાં વ્રત પૂરાં કીધાં સહુ? ચાલો, જગત બોલાવે છે.’

સુન્દરી ત્હેીને જગતમાં દોરી ગઈ. પુરુષબળ વૃથા થયું ત્ય્હાં સ્ત્રીશક્તિ સફળ થઈ.ન્હાનકડી ચિતા, મંહી પથરાતી ઇન્ધણાંની તામ્રરેખાઓ, પાછળ વહેતાં પૂરઃ વળી વળીને એ સહુ જોતો દીનમુખ દુઃખમુગ્ધ પુરુષ સુન્દરીદોર્યો જગતમાં ગયો.

સોનાથી યે મોંઘા બાળકની ભસ્મ લોક ભસ્મ કરી રહ્યા. ચિતા શમી ને છંટાઈ. સહુએ સ્નાન કીધું, શોક કીધો, વૈરાગ્યવિચાર કીધો. પછી સ્મશાનમંડળ ગામ ભણી વળ્યું. ખીલતા ગેલતા લાડતા બાલુડાને નદીની વેળુના અંગારામાં મૂકીને સ્વજનો ગામમાં ગયા.

૧૩૯