પૃષ્ઠ:Pankhadio.pdf/૧૩૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

'જગત બહુ જોયું. ચાલો બીજાં જગત જોવાને જઇએ.'

સાધ્વીની કરવેલને નિવારી નાંખી, સંન્યાસિણીને જલભીના ભુજપાશમાં લીધી. આત્માઓને ચુંબન લેતાં હૃદય ઉપર હૃદય પાથરી તેઓ જલમંડપમાં સૂતાં.

'આપણે તટ ભણી જઇએ છીએ; પણ જગતના નહિ, સ્વર્ગના. આથી યે સુકોમળ, આથી યે સહસ્ત્રધા સ્નેહસમૃદ્ધ તટ ભણી.'

'ધન્ય ભાગ્ય! ચાલો. આયુષ્યની આહૂતિ આપી જીવનવ્રત ઉજવીશ. પ્રાણોત્સર્ગ કરીને સ્નેહદીક્ષા લઈશું. મૃત્યુ પી જીવન માણીશું. ચાલો એ સ્નેહભૂમિમાં.'

એ સહુ કોણે જોયું?

પરમ પુણ્ય ને પરમ પાપ અન્ધકારમાં થાય છે. જગત એમને ઓછાં જ ઓળખે છે? દુનિયાનું તેજ ત્‍હેને પ્રકાશી શકતું નથી, દુનિયાના અન્ધકાર એને આચ્છાદી શકતા નથી. આ આપણાં તેજ ત્ય્હાં અન્ધકાર છે, આ આપણા અન્ધકાર ત્ય્હાં સ્થૂળનાં પડ છે.

સૃષ્ટિમંડળના વિકાસમાં માનવસૃષ્ટિ વચલું પગથિયું છે.

૧૫૨