પૃષ્ઠ:Pankhadio.pdf/૧૩૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

જ્ય્હાં એ છે. મા ! લ્યો મ્હને, ને ત્ય્હાં લઈ જાવ. સહુને ત્ય્હાં લઈ જાઓ છો ને મ્હને નહિ લઇ જાઓ? મા! મ્હને લઈ જાવ. લ્યો, લઈ જાઓ, મા!'

એક પુષ્પ પડે એવો નદીનીરમાં ધબકાર થયો, પણ વ્રતબાલાના હૃદયમાં તો પ્રલયગર્જના ગાજી ઉઠી. તે ઉછળીઃ સિન્ધુતરંગ શી પાલવપટ પાથરતી તે ઉછળી. સાધ્વી ભેખડની ધાર ભણી દોડી.

નદીપટમાં મેઘલી અમાસનો ગાઢ અન્ધકાર હતો. અન્ધકારમાં પૂરનાં વમળ પડતાં. ભમરી ખાતાં ખાતાં પૂર ઉછળતાં ધસતાં.

ઘન ગર્જતો હતો - સાધ્વી સ્વર્ગનાં દુંદુભી સાંભળતી. વીજળીઓ ચકમતી હતી - સાધ્વીની આંખ સન્મુખ અનન્તનાં દ્વાર ઉઘડતાં.

'હાય! એ જ, એ જ. એ મોજાને શિખરે. એમને દાવા પાઉં, એમને હૈયામાં લઉં, હુંફ આપું, સંજીવિની પાઉં. એ જ : તરંગશય્યાસુહાગી-'

થરથરી, કમકમી, વિપુલ્લતા શમી ગઈ. એક દેહપાંખડી-એક કિરણ પડે એવું -એક તનુમણિ નીરમાં પડ્યું. પણ તેથી વિશ્વવિલોપિત અન્ધકારે કમ્પી ઉઠ્યો.

'કોણ? વ્રતવિહારિણી? આવોઃ ત્‍હમારા વિના મ્હારૂં સ્નેહસ્વર્ગ અધૂરું રહેત. આવો, જળશય્યા આપણી પ્રેમ શય્યા થશે.'

'ના, ના. આ દવા પીઓ, જગતકાંઠે ચાલો.'

૧૫૧